Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1527 of 4199

 

૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કે દ્રવ્યાનુયોગ હો; દરેકનું તાત્પર્ય વીતરાગતા છે. એ નિમિત્તની ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષા કરવી એ બધાનું તાત્પર્ય છે. પરંતુ સ્વભાવની અપેક્ષા કરી નહિ અને ખાલી વાણી સાંભળી એમાં તને (-આત્માને) શું લાભ થયો? કાંઈ નહિ. સમજાણું કાંઈ...? ભાઈ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, બાપુ!

આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સદા વીતરાગસ્વરૂપ જ છે. વીતરાગસ્વરૂપ કહો કે અકષાયસ્વરૂપ કહો તે એક જ છે. ભગવાન આત્મામાં કષાયના વિકલ્પની ગંધ પણ કયાં છે? ભગવાન આત્મા તો સદાય અણાસ્રવી છે, અબંધ છે, અનાકુળ છે. અને આ જે પુણ્ય-પાપના ભાવો છે એ તો બન્નેય આસ્રવરૂપ, બંધરૂપ અને આકુળતામય દુઃખરૂપ છે. એ પુણ્ય-પાપના ભાવો મારા છે એમ જે માને તે રાગી અવશ્ય કર્મથી બંધાય છે અને જે પુણ્ય-પાપથી રહિત શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરે છે તે કર્મથી મુક્ત થાય છે. આ જિનવચન-આગમવચન છે.

હવે કહે છે-‘એવું જે આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે.’

અહાહા...! શું કહે છે? શુભકર્મ હો કે અશુભ હો, એમાં જે પ્રેમ છે એના કારણે અર્થાત્ રાગીપણાના કારણે અવિશેષપણે એટલે કે શુભ ભલું અને અશુભ બૂરું એવો ભેદ પાડયા વિના બન્નેને બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. કોણ? આગમવચન અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવની વાણી. ભગવાન જિનનું વચન એમ સિદ્ધ કરે છે કે પુણ્ય અને પાપના બન્ને ભાવ સામાન્યપણે બંધનું કારણ છે. તેથી આગમવચન પુણ્ય-પાપના બન્ને ભાવનો નિષેધ કરે છે.

પ્રશ્નઃ– તો શાસ્ત્રમાં પુણ્યભાવને સાધન કહ્યું છે ને?

ઉત્તરઃ– હા, કહ્યું છે; પણ એ તો નિમિત્તનું કે સહચરનું જ્ઞાન કરાવવા ત્યાં વ્યવહારનયથી કહ્યું છે. આચાર્ય જયસેનની ટીકામાં તથા પરમાત્મપ્રકાશમાં વ્યવહાર-રત્નત્રયથી નિશ્ચય થાય એમ આવે છે; પરંતુ એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયરત્નત્રય જેને પ્રગટ છે તેને બાહ્ય વ્યવહાર-વ્યવહારરત્નત્રય કેવો હોય છે તે બતાવવા શાસ્ત્રમાં એવાં કથન આવે છે. (પણ તે પુણ્યભાવ યથાર્થ સાધન છે એમ ન સમજવું).

ખરેખર તો નિશ્ચયધર્મ પ્રગટ ન હોય તેને તો બાહ્ય વ્યવહાર હોતો જ નથી. એકલા બાહ્ય વ્યવહારવાળાને તો ગાથા ૪૧૩ માં (ટીકામાં) વ્યવહારમૂઢ કહ્યો છે ‘‘તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી’’ -એમ ત્યાં કહ્યું છે.