૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
ત્યારે કેટલાક કહે છે-વીતરાગની વાણીમાં પુણ્યભાવ બંધનું કારણ છે એમ અહીં નિશ્ચયથી કહ્યું છે પણ બીજે ભિન્ન સાધ્ય-સાધનભાવ કહ્યો છે કે નહિ? વ્યવહાર (-પુણ્યભાવ) સાધન છે એમ કહ્યું છે કે નહિ?
બાપુ! એ સાધનનો અર્થ શું? સમકિતીને સ્વરૂપની નિર્મળ દ્રષ્ટિ છે તે નિશ્ચય (સમ્યક્ત્વ) છે અને સાથે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે તેને નિમિત્ત જાણીને ઉપચારથી-વ્યવહારથી આરોપ આપીને સમકિત કહ્યું છે. શું એ રાગ ખરેખર સમકિત છે? ના; એ તો ચારિત્રનો દોષ છે. પરંતુ સ્વરૂપનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા સાથે તે રાગ સહકારી છે, નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા તેને આરોપ આપીને વ્યવહારથી સમકિત કહ્યું છે. વ્યવહાર સમકિત છે તો બંધનું કારણ પણ એને ઉપચારથી મોક્ષનો માર્ગ કહ્યો છે. પણ એનો અર્થ શું? કે તે મોક્ષનું કારણ નથી. મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨પ૬ ઉપર આનો અત્યંત સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ત્યાં કહ્યું છે કે-
‘‘જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એમ જાણવું.’’
જરી શરીર ઠીક હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય, આબરૂ ઠીક હોય અને પહોળો-પહોંચતો ક્ષયોપશમ હોય ત્યાં એ બધાના રાગમાં અને રાગની રુચિમાં તું મરી રહ્યો છે ભાઈ! નાથ! તું અનંત-અનંત જ્ઞાન, આનંદ અને શાંતિનો પિંડ છે. આવા તારા ત્રિકાળી સત્નું લક્ષ નહિ હોવાથી રાગની રુચિએ તને ઘાયલ કર્યો છે, મારી નાખ્યો છે. જેને રાગની રુચિ છે. તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મા પ્રતિ અરુચિ-દ્વેષ છે. શ્રી આનંદઘનજીએ કહ્યું છે- ‘દ્વેષ અરોચક ભાવ.’ જેને પરમાત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા રુચતો નથી અને રાગ રુચે છે તેને પોતાના આત્મા પ્રત્યે દ્વેષ છે. (તેને અનંતાનુબંધીનો ક્રોધ છે). એણે પડખું ફેરવ્યું છે ને! સ્વભાવના પડખે રહેવાને બદલે તે રાગના પડખે રહ્યો છે. તેને અહીં આચાર્યદેવ કહે છે-ભાઈ! શુભ અને અશુભ બન્ને ભાવ બંધનાં કારણ છે અને તેથી ભગવાનની વાણી બન્ને કર્મોને નિષેધે છે. આવી વાત છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
અશુભ) કર્મને ‘अविशेषात्’ અવિશેષપણે ‘बन्धसाधनम्’ બંધનું સાધન (-કારણ) કહે છે...