સમયસાર ગાથા-૧પ૦ ] [ ૬૯
શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભભાવ હોય કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ ઇત્યાદિનો અશુભભાવ હોય, બન્નેય ભાવ વિભાવભાવ છે અને સર્વજ્ઞદેવોએ-જિનભગવંતોએ બન્નેનેય અવિશેષપણે-બેયમાં કાંઈ ફેર પાડયા વિના એકસરખાં બંધનાં સાધન-કારણ કહે છે. બેઉમાંથી એકેય ધર્મ કે ધર્મનું સાધન નથી, પણ બન્નેય સમાનપણે જ બંધનાં સાધન છે.
‘સમસ્ત કર્મ’ એમ કહ્યું છે ને! એટલે કે શુભ અને અશુભ બન્ને કર્મને સર્વજ્ઞ ભગવાને અવિશેષપણે બંધનાં કારણ કહ્યાં છે. બંધનની અપેક્ષાએ બન્ને સરખાં છે, બેમાં કોઈ ફેર નથી. આવી વાત આકરી પડે છે માણસને, કેમકે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એમ માને છે ને? પણ ભાઈ! તારી એ માન્યતા સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે. વ્યવહાર કરતાં નિશ્ચય પ્રગટશે એ સર્વજ્ઞની આજ્ઞા નથી. આચાર્ય અમૃતચંદ્રદેવે ‘सर्वविदः’ શબ્દ મૂકીને સર્વજ્ઞદેવની સાક્ષી આપી છે. અહાહા...! એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણનારું જેનું અનંતજ્ઞાન છે, જેને અનંત આનંદનું વેદન છે અને જેનું અનંતવીર્ય સ્વરૂપની પરિપૂર્ણ રચના કરી રહ્યું છે તે સર્વજ્ઞદેવ છે. આવા સર્વજ્ઞદેવ પુણ્ય-પાપના બન્ને ભાવને અવિશેષપણે બંધનાં સાધન કહે છે. એટલે જેમ વિષય-કષાયના ભાવ બંધનું કારણ છે તેમ વ્રત, તપ, શીલ, બ્રહ્મચર્ય ઇત્યાદિ શુભભાવ પણ બંધનું કારણ છે, કેમકે બન્નેય કર્મચેતના છે.
હવે કહે છે-‘तेन’ તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) ‘सर्वम् अपि तत् प्रतिषिद्धं’ સમસ્ત કર્મને નિષેધ્યું છે અને ‘ज्ञानम् एव शिवहेतुः विहितं’ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
લ્યો, શું બાકી રહ્યું? સમસ્ત કર્મને એટલે શુભ અને અશુભરૂપ સર્વ ભાવોનો સર્વજ્ઞદેવે નિષેધ કર્યો છે અને એક જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. મતલબ કે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની સેવા-રમણતા-લીનતા અને એકાગ્રતા કરવાનું ફરમાવ્યું છે, કેમકે તે એક જ મોક્ષનું કારણ છે.
સાધારણ પ્રાણીને ન બેસે એટલે આચાર્યદેવે સર્વજ્ઞનો આધાર આપ્યો છે. પરંતુ અત્યારે ઘણી બધી ગરબડ થઈ ગઈ છે. વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, ઉપવાસ કરો ઇત્યાદિ; એમ કરતાં કરતાં મોક્ષમાર્ગ અને મોક્ષ થશે એમ કેટલાક કહે છે. પણ ભાઈ! એ બધા શુભભાવ છે એને સર્વજ્ઞ ભગવાને બંધનું કારણ કહ્યું છે. રાગ અશુભ હો કે શુભ; બન્ને કર્મચેતના છે, વિકારી કાર્ય છે. ભગવાન! તારો માર્ગ તો એક જ્ઞાનચેતના છે.
‘ज्ञानम् एव विहितं शिवहेतुः’ -એમ ચોથા પદમાં અહીં પૂરી ચોખવટ કરી દીધી છે. જ્ઞાનને જ એટલે કે જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાયકને જ મોક્ષનો હેતુ કહ્યો છે.