૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી એમ કહો તો?
ભાઈ! કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી (મોક્ષ થાય) એવો સ્યાદ્વાદ વીતરાગના શાસનમાં નથી. અહીં તો કહે છે-પ્રભુ! તું જ્ઞાન છો; તારા જ્ઞાનસ્વરૂપમાં પુણ્ય-પાપના વિકલ્પનો અભાવ છે. આવા નિર્ભેળ, નિર્વિકલ્પ જ્ઞાનસ્વરૂપી આત્મામાં એકાગ્રતા કરીને જ્ઞાનમાત્ર ભાવનો અનુભવ કરવો, ચૈતન્યરસનો-વીતરાગરસનો, શાંતરસનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. રાગનો અનુભવ તો આકુળતામય દુઃખ અને બંધનું કારણ છે, સંસારનું કારણ છે. તેથી સર્વ રાગનો નિષેધ કરીને, ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન અને આનંદના અનુભવના રસનું સેવન કર. જ્ઞાનસ્વરૂપના અનુભવનો રસ એ અનાકુળ આનંદ અને વીતરાગી શાન્તિનો રસ છે અને એ જ એક મોક્ષનું કારણ છે એમ સર્વજ્ઞદેવે ફરમાવ્યું છે.
હવે આમાં ‘વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય’ એવા પ્રશ્નને કયાં અવકાશ છે? કોઈ ઠેકાણે વ્યવહારને સાધક કહ્યો છે એ તો સાધકદશામાં સાધક (શુદ્ધ રત્નત્રય) પર્યાયની સાથે સાથે વ્યવહાર-શુભરાગ કેવો હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. અહીં તો આ એક જ વાત છે કે-‘ज्ञानम् एव विहितं शिवहेतुः’ -ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં મશગૂલ થઈને આનંદ-કેલિ કરે એ એક જ મોક્ષનું કારણ કહ્યું છે. અહા! વીતરાગ સર્વજ્ઞદેવ જૈન પરમેશ્વરની આજ્ઞા શું છે એ લોકોને ખબર નથી; શાનો નિષેધ કર્યો છે અને શું કર્તવ્ય છે એની લોકોને ખબર નથી!
બધા શાસ્ત્રોમાં-ચારે અનુયોગમાં-પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો કે દ્રવ્યાનુયોગ હો, એ સર્વમાં એક જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ ફરમાવ્યું છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા છે. એમાં જ એકાગ્ર થઈ એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવાં એ એક જ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનસ્વરૂપ તો પોતે ત્રિકાળ છે. વર્તમાનમાં એ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતા કરવી એવો ‘ज्ञानमेव’ નો અર્થ છે. સમજાણું કાંઈ...?
‘ज्ञानमेव’ કહ્યું એ વર્તમાન પર્યાયની-શુદ્ધરત્નત્રયરૂપ પર્યાયની વાત છે. ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે. તેમાં એકાગ્રતા કરવી એ મોક્ષનું કારણ છે. અશુભની જેમ શુભને પણ ભગવાને ધર્મના કારણ તરીકે નિષેધ્યો છે કેમકે એ તો બંધનું જ કારણ-સાધન છે. અહાહા...! સ્વરૂપનું ભાન કર્યા વિના એકાંતે વ્યવહારનો શુભરાગ કરતાં કરતાં નિશ્ચય (-ધર્મ) થઈ જશે એવી જેને હઠ છે તે ભારે ભ્રમણામાં છે.
અરે! શિવપુરીનો રાજા શિવભૂપ ભગવાન આત્મા રાગમાં રોકાઈ ગયો છે! અહા! જ્ઞાન, દર્શન, આનંદ, શાન્તિ ઇત્યાદિ અનંતગુણનો ભંડાર ગુણનિધિ પ્રભુ