સમયસાર ગાથા-૧પ૦ ] [ ૭૧ પોતાની નિધિને ભૂલીને રાગમાં રતિ કરે છે! તે રાગને પોતાનો માને છે, ધર્મરૂપ માને છે. પરંતુ ભાઈ! રાગ શુભ હો કે અશુભ, બન્ને પર છે, પુદ્ગલસ્વભાવ છે, ચૈતન્યસ્વભાવ નથી; અને પરને પોતાનું માને એ તો ચોર છે. બનારસીદાસે કહ્યું છે કે-
રાગને-પરને પોતાનો માનવારૂપ ચોરીના અપરાધની સજા ચારગતિનો જેલવાસ છે ભાઈ!
આવો માર્ગ ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવે ફરમાવ્યો છે અને એ જ માર્ગ દિગંબર આચાર્યો અને મુનિવરોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે. આચાર્યો અને મુનિવરો તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાને દિવસમાં હજારો વાર આવજા કરે છે. તેઓને પાછલી રાત્રે નિદ્રા પણ અત્યંત અલ્પ હોય છે. આવી ભાવલિંગ મુનિદશા છે. તેમને ચારિત્રદશામાં અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુર સ્વસંવેદન હોય છે. આવી દશાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ પંચમહાવ્રતના કે વ્યવહારરત્નત્રયના રાગને મોક્ષમાર્ગ કહ્યો નથી. ગંભીર વાત છે, ભાઈ! કથંચિત્ જ્ઞાનથી (- શુદ્ધ રત્નત્રયથી) અને કથંચિત્ શુભરાગથી (-વ્યવહારરત્નત્રયથી) મોક્ષમાર્ગ થાય એમ ભગવાને કહ્યું નથી. જ્ઞાન જ એક મોક્ષનો હેતુ કહ્યો છે. જ્ઞાન એટલે અહીં ત્રિકાળી જ્ઞાનની, દ્રવ્યસ્વભાવની વાત નથી, પણ એ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એકાગ્રતા કરતાં પ્રગટ થતી શુદ્ધ રત્નત્રયરૂપ ચૈતન્યની પરિણતિને અહીં મોક્ષનું સાધન કહ્યું છે. ‘ज्ञानमेव’ નો આ અર્થ છે.
પ્રશ્નઃ– જો આમ છે તો પછી આ બધી ધમાલ-૨પ-૨૬ લાખનાં મંદિરો, ભગવાનની પ્રતિષ્ઠા, રથયાત્રા, ગજરથ અને સ્વાધ્યાય-પ્રવચનો વગેરેની શી જરૂર છે?
સમાધાનઃ– એ સર્વ બાહ્ય વસ્તુ તો પોતપોતાના કાળે પોતપોતાના કારણે હોય છે. મંદિર, પ્રતિષ્ઠા ઇત્યાદિ શું જીવ કરે છે? ના; જીવને તો તે કાળે તેવો શુભરાગ હોય તો પુણ્યબંધ થાય છે; ધર્મ નહિ. એ શુભરાગ કાંઈ મોક્ષનું સાધન નથી. સાધકને પણ વચ્ચે આવો શુભભાવ આવે ખરો; ભક્તિ, પૂજા, પ્રતિષ્ઠા ઇત્યાદિ કરવાનો જ્ઞાનીને પણ શુભભાવ આવે છે, પણ એ બંધનું જ કારણ છે, એ કાંઈ ધર્મનું સાધન નથી. (ઉપચારથી એને ધર્મસાધન કહે છે એ જુદી વાત છે; છે નહિ.).
શુભાશુભભાવ છે એ તો રાગ છે, રોગ છે, આકુળતા છે, બંધનું કારણ છે અને જ્ઞાન જ એક મોક્ષનું કારણ છે. નિર્મળાનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા ત્રિકાળ છે. એમાં એકાગ્ર થતાં શુદ્ધ ચૈતન્યની જે નિર્મળ પરિણતિ થાય તે જ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ કહ્યું છે. ‘विहितम्’ એમ શબ્દ પડયો છે ને!