Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1534 of 4199

 

સમયસાર ગાથા-૧પ૦ ] [ ૭૩ વિનાના જ્ઞાનચેતનારૂપ કર્મમાં પ્રવૃત્ત થાય છે. શુભાશુભ કર્મરહિત નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત થઈને મુનિવરો શુદ્ધોપયોગરૂપ ચૈતન્યની નિર્મળ અવસ્થામાં પ્રવૃત્ત થાય છે તેથી તેઓ કાંઈ અશરણ નથી; અર્થાત્ તેમને શુદ્ધ ચૈતન્યનું શરણ છે. હવે આવી વાત સમજવી કઠણ પડે એટલે બિચારા જીવો અનંતકાળથી શુભાશુભમાં જ મંડી રહેલા છે, લાગી રહેલા છે.

પરંતુ ભાઈ! શુભાશુભભાવ એ કોઈ અપૂર્વ ચીજ નથી. શુભાશુભભાવ તો નિગોદના જીવને પણ થયા કરે છે. કદી પણ ત્રસ ન થયા હોય એવા અનંતા નિગોદના જીવ પડયા છે. એને પણ ક્ષણે શુભ અને ક્ષણે અશુભ ભાવ થયા કરે છે.

આ ડુંગળી, લસણ, કાંદા, સક્કરકંદ વગેરે કંદમૂળની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે; અને એ દરેક શરીરમાં શક્તિએ ભગવાનસ્વરૂપ એવા ચૈતન્યસ્વભાવમય અનંતા નિગોદના જીવ છે. ત્યાં કોઈને દેવ-ગુરુ-શાસ્ત્રનો યોગ નથી અને દાનાદિ પણ સંભવિત નથી. છતાં તે દરેક જીવને ક્ષણે અશુભ અને ક્ષણે શુભ એવી કર્મધારા નિરંતર ચાલુ જ છે. શુભાશુભભાવ એ કાંઈ નવી ચીજ નથી. અરે! એ કોઈ ચીજ જ નથી; આત્મા કયાં છે એમાં?

જેમ સક્કરકંદમાં ઉપરની જે લાલ છાલ હોય છે તેનું લક્ષ છોડી દો તો અંદર આખોય છાલથી જુદો સક્કરકંદ નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્મા, શુભ અને અશુભભાવરૂપ છાલનું લક્ષ છોડી દો તો અંદર શુભાશુભભાવથી જુદો ચૈતન્યસ્વરૂપ અતીન્દ્રિય આનંદના રસથી ભરેલો અમૃતનો કંદ છે. જેમ સક્કરકંદ મીઠાશનો કંદ છે તેમ ભગવાન આત્મા ચિદાનંદકંદ છે. હવે શુભાશુભકર્મથી રહિત થતાં મુનિવરો અશરણ છે એમ નથી પણ તેમને ચિદાનંદકંદસ્વરૂપ ભગવાન આત્માનું શરણ હોય છે એમ અહીં કહે છે.

જુઓ, અહીં ‘શુભાચરણરૂપ કર્મ’ એમ લીધું છે. એટલે કે જડ પરમાણુ જે બંધાય એની આ વાત નથી. અહીં તો ‘સુકૃત’ એટલે શુભ આચરણરૂપ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભભાવ અને ‘દુરિત’ એટલે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, વિષયવાસના ઇત્યાદિના અશુભભાવ-એ બેય ભાવનો નિષેધ કરીને મુનિવરો નિષ્કર્મ અવસ્થારૂપ પ્રવર્તે છે. એટલે શું? એનો અર્થ એમ છે કે શુભાશુભરાગથી નિવૃત્તિ પામીને શુદ્ધભાવમાં-શુદ્ધચૈતન્યસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે. અહો! આવો વીતરાગનો માર્ગ પરમ અદ્ભુત અને અલૌકિક છે! આવો માર્ગ બીજે કયાંય નથી; બીજા બધા માર્ગ અમાર્ગ છે, વિપરીત માર્ગ છે. વેદાન્ત હો કે સાંખ્ય હો, વૈશેષિક હો કે બુદ્ધ હો, એ કોઈએ સમ્યક્ માર્ગ જાણ્યો જ નથી. આ તો જેણે એક સમયમાં ત્રણ કાળ-