Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1538 of 4199

 

સમયસાર ગાથા-૧પ૦ ] [ ૭૭ મુનિવરોને નિજ શુદ્ધાત્મા જ શરણ છે. અરહંતા શરણં, સિદ્ધા શરણં એ તો વ્યવહારથી શરણ કહેવામાત્ર છે.

વીતરાગનો માર્ગ નિવૃત્તિ માર્ગ છે. રાગથી નિવૃત્તિ થાય છે ને? તથાપિ શુદ્ધમાં પ્રવૃત્તિની અપેક્ષાએ તેને પ્રવૃત્તિપણું પણ કહે છે. પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ શિવસ્વરૂપ પ્રભુ શિવપુરીનો રાજા છે. એમાં આચરણ કરતા થકા મુનિઓને એક જ્ઞાન જ શરણ છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન એમ નહિ; શાસ્ત્રજ્ઞાન તો ભેદરૂપ વિકલ્પજ્ઞાન છે. અહીં તો જ્ઞાનમાં (-સ્વભાવમાં) આચરણ કરતું, રમણ કરતું જ્ઞાન જ શરણ છે એમ કહ્યું છે. ‘ज्ञानं हि’ એમ કહ્યું છે ને? જુઓ, આ એકાંત (સમ્યક્ એકાન્ત) કીધું છે. મતલબ કે રાગ શરણ નથી. કથંચિત્ જ્ઞાન શરણ અને કથંચિત્ રાગ શરણ એમ નથી. જ્ઞાનમાં આચરણ કરતું જ્ઞાન જ મુનિઓને શરણ છે. હવે કહે છેઃ-

‘एते’ તેઓ ‘तत्र निरताः’ તે જ્ઞાનમાં લીન થયા થકા ‘परमम् अमृतम्’ પરમ અમૃતને ‘स्वयं विन्दन्ति’ પોતે અનુભવે છે-આસ્વાદે છે. ‘સ્વયમ્’ એટલે રાગની અપેક્ષા વિના, વિકલ્પની અપેક્ષા વિના સાધક પરમ અમૃતને આસ્વાદે છે. વ્યવહારરત્નત્રયનો શુભરાગ હતો તેથી અમૃતનો સ્વાદ આવે છે એમ નથી. શું કળશ છે! ગજબ ચીજ છે, ભાઈ! એક કળશમાં તો બધો સાર ભરી દીધો છે!

પ્રાણી (-જીવ) બહારની પ્રવૃત્તિમાં એટલો બધો રોકાઈ ગયેલો રહે છે કે તેને સંસારના અશુભભાવથી નિવૃત્તિ મળતી નથી. બસ, આખો દિવસ ધંધો-વેપાર, કરવો સ્ત્રી-પરિવારનું પોષણ કરવું અને સૌને રાજી રાખવા ઇત્યાદિ પાપના કાર્યોમાં ગાળે છે. એમાંય પાંચ-પચાસ લાખ કે કરોડ-બે કરોડની સંપત્તિ થઈ જાય તો પૂછવું જ શું? એમાં જ ખુશ ખુશાલ થઈને રહે અને બિચારો નવરો જ ન પડે. પછી એને શુભભાવ પણ કયાંથી થાય? અને જ્યાં શુભભાવ જ થતો નથી એને એનાથી નિવૃત્તિની તો વાત જ કયાં રહી? એ તો સંસારના-પરિભ્રમણના પંથે જ છે. એ પરિભ્રમણનો પંથ બહુ આકરો છે, ભાઈ!

અહીં હવે બીજું કહે છે. અહીં કહે છે-દેવદર્શન, ગુરુપૂજા, દાન, તપ, સંયમ, સ્વાધ્યાય આદિ જે શુભભાવરૂપ આચરણ છે તે પણ રાગ છે, બંધનું કારણ છે, સંસારનું કારણ છે. અને જે એને ધર્મરૂપ જાણે અને માને તે મિથ્યાદ્રષ્ટિ છે અને તે પણ સંસારપરિભ્રમણના પંથે છે; સમજાણું કાંઈ?

તો સમકિતીને પણ તે આવશ્યક કર્મ તો હોય છે?

હા, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સ્વભાવનાં દ્રષ્ટિ-અનુભવ હોવા છતાં સમકિતીને પણ શુભભાવરૂપ આચરણ હોય છે. પણ એને એ બંધનું કારણ જાણે છે.. (અને ક્રમશઃ તેનો નિષેધ કરીને તે અંતરમાં ઉગ્ર પુરુષાર્થ કરીને શુદ્ધિ વધારતો જાય છે). આવો માર્ગ છે.