૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે. જુઓ, આ મુનિપણું છે. ‘પરમ અમૃત’ કહ્યું ને? અતીન્દ્રિય આનંદનો અનુભવ થવો એ પરમ અમૃત છે. મુનિવરો પરમ આનંદરૂપ અમૃતનો અનુભવ કરે છે તે એમનું આચરણ (-ચારિત્ર) છે. શુભાચરણને નિષેધ્યું તો બીજું કાંઈ સાધન રહ્યું નહિ એમ જો કોઈ કહે તો એ બરાબર નથી. અંતર ચિદાનંદસ્વરૂપમાં આચરણ કરતું, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન પરમ આનંદરૂપી અમૃતનો જે અનુભવ કરે છે તે સાધન છે, શરણ છે. મુનિઓ એમાં રહે છે. જુઓ, આ મુનિપણું, આ ચારિત્ર અને આ મોક્ષનું સાધન છે.
અહાહા...! મુનિવરો પરમ અમૃતનો સ્વાદ લે છે! આ ઘીનો અને સાકરનો સ્વાદ છે એ ચૈતન્યનો સ્વાદ નથી અને એ (-સ્વાદ) જીવને આવે છે એમ પણ નથી. એ તો જડ છે. આ મીઠું, મહેસૂબ અને રસગુલ્લાંનો સ્વાદ છે એ તો જડનો છે, અજીવ છે અને ભગવાન આત્મા રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિનાની ચીજ છે. આવા અરસ અને અરૂપી જીવને રૂપી અજીવનો સ્વાદ હોય નહિ. પરંતુ તે સમયે એને જાણતાં આ ઠીક છે એવો જે રાગ કરે છે એ રાગનો સ્વાદ જીવને આવે છે. સ્ત્રીના સંયોગમાં સ્ત્રીના વિષયનો સ્વાદ જીવને આવતો નથી, કેમકે સ્ત્રીનું શરીર તો હાડ-માંસ-રુધિર-ચામડાનું બનેલું જડ છે, અજીવ છે. પણ આ ઠીક છે એવો જે જીવ રાગ કરે છે એ રાગનો એને સ્વાદ આવે છે. પરંતુ એ રાગનો સ્વાદ ઝેરનો સ્વાદ છે ભાઈ! એ દુઃખરૂપ છે, અને ધર્મીને આત્મામાં પરમ આનંદનો સ્વાદ આવે છે, અને એ સુખનો સ્વાદ છે.
અહીં ‘પરમ અમૃતને અનુભવે છે’ એમ કહ્યું છે એ મુનિની પ્રધાનતાથી કહ્યું છે. પ્રચુર સ્વસંવેદન કહેવું છે ને! પાંચમી ગાથામાં આવે છે કે મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે, ચોથે ગુણસ્થાને સ્વસંવેદન છે પણ એ જઘન્ય છે, અલ્પ છે. પાંચમે શ્રાવકને વિશેષ આનંદ છે અને છટ્ઠે મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે. જેટલો સ્વસંવેદનરૂપ આનંદનો સ્વાદ છે તેટલું આચરણ છે. અહો! અંદર ચિદાનંદમય ત્રિલોકીનાથ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં-રમતાં-જામતાં જે પરમ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ આવે એનું નામ આચરણ અને મુનિપણું છે. સર્વજ્ઞદેવની દિવ્ય દેશનામાં અને સર્વજ્ઞદેવના શાસ્ત્રમાં-પરમાગમમાં આ આવ્યું છે.
‘સુકૃત કે દુષ્કૃત-બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કાંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે?’