સમયસાર ગાથા-૧પ૦ ] [ ૭૯
જુઓ, હિંસા જૂઠ, ચોરી, વિષયવાસના અને ક્રોધ, માન આદિ દુષ્કૃત એટલે અશુભ આચરણ અને દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ આદિ સુકૃત એટલે શુભ આચરણ-એ સર્વનો નિષેધ કર્યો તો મુનિઓને શું કરવાનું રહ્યું? પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અટ્ઠાવીસ મૂલગુણ ઇત્યાદિ શુભાચરણનો એ ધર્મ નથી એમ નિષેધ કર્યો તો પછી મુનિઓ શાના આશ્રયે મુનિધર્મ પાળે?-આમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કેઃ-
જુઓ, આ મુનિધર્મ કહ્યો. અહાહા...! ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે એમાં લીન થવું એ જ્ઞાનનું મહાશરણ છે. અર્થાત્ આત્મા સદાય શુદ્ધ વીતરાગસ્વભાવી વસ્તુ છે એનું જ મુનિઓને શરણ છે અને એ જ ધર્મ છે.
અહા! આ અટ્ઠાવીસ મૂલગુણ, પાંચમહાવ્રત આદિ શુભાચરણ જો ધર્મ નથી, ચારિત્ર નથી એમ કહ્યું તો હવે શું કરવું? તો કહે છે-ભગવાન! સાંભળ. અંદર ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવસ્વરૂપ, નિત્યાનંદ-સહજાનંદસ્વભાવી મહાપ્રભુ પરમ પદાર્થ ત્રિકાળ વિદ્યમાન અસ્તિપણે વિરાજમાન છે, એનું શરણ લે; એ શરણ છે. અહાહા...! મુનિવરો જે પરિણતિ દ્વારા સ્વભાવની દ્રષ્ટિ અને લીનતા-રમણતા કરે છે તે વીતરાગી પરિણતિને એક માત્ર શરણ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. પોતાની ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે સચ્ચિદાનંદ, પૂર્ણાનંદ, સહજાનંદ, અણકરાયેલ (-અકૃત્રિમ) સહજાત્મસ્વરૂપ અવિનાશી અનંતગુણધામ સદાય અંદર પડેલી છે એનો આશ્રય કરીને એમાં લીન થવું એ જ શરણ છે.
આવો વીતરાગનો માર્ગ લોકપદ્ધતિથી સાવ જુદો છે ભાઈ! ‘સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહાશરણ છે.’ અહીં જ્ઞાન એટલે વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ત્રિકાળી આત્મસ્વભાવ સચ્ચિદાનંદસ્વભાવ, સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તે આત્મા મુનિને શરણ છે, આવા આત્માના આશ્રયથી મુનિને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અનાકુળ આનંદનો સ્વાદ આવે છે તે શરણ છે, તે મુનિધર્મ છે.
ધર્મ તો એને કહીએ કે જેમાં આત્માના અતીન્દ્રિય આનંદરસનું વેદન હોય. જે શુભાશુભ ભાવ છે તે કર્મરસ છે; એનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. શુદ્ધની અપેક્ષાએ બન્ને ઝેર છે. અશુભ તીવ્ર અને શુભ મંદ ઝેર; પણ છે બન્ને ઝેર. તેથી બન્નેનો નિષેધ કર્યો છે. એક શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મામાં લીનતા કરવી એ જ અમૃતસ્વરૂપ આનંદનો સ્વાદ છે અને એ ધર્મ છે. ઝીણી વાત છે ભાઈ! ગાથા ૧પ૧ માં આવશે કે પરમાર્થ-પરમ પદાર્થ, મહાપદાર્થ અનાદિ- અનંત સચ્ચિદાનંદમય નિત્યાનંદમય પ્રભુ આત્મા જ શરણ છે. એમાં ઝૂકી જતાં આનંદરસનો અનુભવ આવે છે અને એવો અનુભવ જ પરમાર્થ મુનિપણું છે.