Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1542 of 4199

 

સમયસાર ગાથા-૧પ૦ ] [ ૮૧ જ્ઞાની જ જાણે છે.’ અર્થાત્ આવું અતીન્દ્રિય આનંદનું-પરમ અમૃતનું વેદન એક જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીને એની ખબર નથી એટલે મંડી પડે બહારનાં વ્રત પાળવા, તપ કરવા, ઉપવાસ કરવા. પણ ભાઈ! એ બધું આચરણ આકુળતા અને દુઃખ છે અને સંસારના પરિભ્રમણનું કારણ છે.

ત્યારે કેટલાક કહે છે-સોનગઢવાળા નિશ્ચયની જ વાત કરે છે, વ્યવહાર તો કહેતા જ નથી; એમ કે વ્યવહારથી નિશ્ચય થાય એમ કહેતા નથી.

તેમને કહીએ છીએ કે આ ૨૦૦૦ વર્ષ પહેલાં ભગવાન કુંદકુંદાચાર્યે બનાવેલું શાસ્ત્ર છે. એમાં શું કહ્યું છે? કે ધર્મ એને કહીએ કે જેમાં પુણ્ય-પાપના આચરણની કે આકુળતાની ગંધેય નથી. આ તો નાસ્તિથી વાત છે. અસ્તિથી શું છે? કે અતીન્દ્રિય પરમ પદાર્થ જ્ઞાનાનંદ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે તેમાં લીન થયેલી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો જે ભોગવટો થયો એ મુનિપણું છે, ધર્મ છે, ચારિત્ર છે, મોક્ષનો માર્ગ છે. અહાહા...! જેણે અનુભવમાં આત્મા લીધો છે તેને ખબર પડે કે આ પરમ આનંદનો-અમૃતનો સ્વાદ શું છે? બીજા રાગી-કષાયી જીવ શું જાણે? કહ્યું છે ને કે-‘ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ શું જાણે?’ કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી, મુખ્યપણે વ્રત, તપ આદિ પુણ્યભાવને સર્વસ્વ જાણી એમાં જ તદ્રૂપ થઈ રહ્યો છે. પરંતુ તેથી એને કષાયનો-ઝેરનો જ સ્વાદ આવે છે, જ્ઞાનાનંદનો સ્વાદ આવતો નથી.

અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદના રસથી ભરપૂર છે. જેમ સક્કરકંદને લાલ છાલ વિના જુઓ તો તે એકલો સાકરનો (-મીઠાશનો) પિંડ છે તેમ ભગવાન આત્મા શુભાશુભકર્મથી રહિત, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત પરમ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદકંદસ્વરૂપમાં ચરવું અને રમવું અને પરમ આનંદમય પરિણતિનો ભોગ કરવો એનું નામ ધર્મ અને મુનિપણું છે. ભાઈ! સંસારથી મુક્ત થવાનો આ જ ઉપાય છે. લોકોને કઠણ પડે એટલે રાડો પાડે કે ‘આ નિશ્ચય છે, નિશ્ચય છે;’ પણ ભાઈ! નિશ્ચય છે એ જ સત્ય છે, યથાર્થ છે અને વ્યવહાર તો ઉપચાર છે. વ્યવહાર તો લૌકિક કથનમાત્ર છે. દ્રવ્યસંગ્રહમાં આવે છે કે- વ્યવહાર છે એ લૌકિક છે અને ભગવાન આત્મા પરમાર્થ નિશ્ચય વસ્તુ છે તે લોકોત્તર છે.

આત્મા ચૈતન્યમહાપ્રભુ ચિદાનંદની ગાંઠ છે. જેમ રત્નની ગઠડી હોય અને ખોલે તો રત્ન નીકળે તેમ જ્ઞાનાનંદરત્નની ગાંઠ પ્રભુ આત્માને ખોલે એટલે રાગનું એકત્વ છોડીને સ્વભાવમાં એકત્વ કરે તો તે ખુલી જતાં એમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. આ જ્ઞાનાનંદના સ્વાદને અજ્ઞાની જાણતો નથી. દયા, દાન, ભક્તિ આદિ કષાય-ભાવમાં લીન કષાયી જીવો અકષાયસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપના સ્વાદને કેમ જાણે? જેમ