સમયસાર ગાથા-૧પ૨ ] [ ૯૩ એ દિવ્યધ્વનિમાં-આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે એમ કહે છે. બનારસી વિલાસમાં (શારદાષ્ટકમાં) આવે છે ને કે-
ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આગમની રચના કરી છે. અહા! ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. એ આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
કોઈ એમ કહે કે-આ વ્રત, તપ ઇત્યાદિ શુભાચરણ પણ મોક્ષનું કારણ છે તો કહે છે- ના; આગમમાં એમ કહ્યું નથી. વીતરાગ પરમેશ્વર અનંતા તીર્થંકરોની દિવ્યધ્વનિ અનુસાર રચાયેલાં જે આગમ છે તેમાં તો જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ કહ્યું છે. વ્રત, તપ આદિના રાગને મોક્ષમાર્ગ કહે તે વીતરાગનાં આગમ નહિ.
એક પંડિતનો કોઈ સામયિકમાં મોટો લેખ આવ્યો છે કે-આ વ્યવહાર વ્રત અને તપ બધાં સંવર-નિર્જરનાં કારણ છે. અરે! એને બિચારાને એમ (ઊંધું) બેઠું છે એટલે શું થાય? અહીં તો કહે છે-સત્ય એવો આત્મા જેને હાથ આવે (દ્રષ્ટિમાં આવે) એને મોક્ષનો માર્ગ થાય. બાકી રાગના પરિણામ તો અનંતકાળ થયા પણ એ વડે હજુ મોક્ષમાર્ગ થયો નથી. (થાય પણ નહિ). આ સત્ય વાત છે. કોઈ માને તો માને; સત્ને સંખ્યાની કયાં જરૂર છે? ઘણાં માને તો સાચું અને થોડા માને તો સાચું નહિ એવી સત્ને સંખ્યાની અપેક્ષા છે નહિ. સત્ તો ત્રણે કાળ સ્વયં આપ મેળે સત્ જ છે.
ગાથામાં પણ આવ્યું ને કે-‘बेंति सव्वण्हू’ સર્વજ્ઞદેવો આમ કહે છે. અહાહા...! વીતરાગ સર્વજ્ઞદેવોની વાણીમાં-આગમમાં જ્ઞાનને જ એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ભાઈ! કોઈ પોતાની મતિ-કલ્પનાથી ઊંધા અર્થ કાઢે અને વ્રત-તપ આદિના રાગને મોક્ષનું કારણ કહે તો તે કાંઈ આગમના અર્થ નથી. આગમમાં તો આ ભર્યું છે કે-અંદર વિકલ્પથી પાર શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે જેને અહીં જ્ઞાન શબ્દ વડે કીધું છે તેનું અંતઃપરિણમન જે જ્ઞાન તે જ્ઞાનને જ મોક્ષનો માર્ગ કહ્યો છે. આ સમ્યક્ એકાન્ત છે. મોક્ષનો માર્ગ કથંચિત્ જ્ઞાનથી થાય અને કથંચિત્ રાગથી થાય એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત છે.
અહીં તો ‘જ્ઞાનને જ’ મોક્ષનું કારણ કહીને સમ્યક્ એકાન્ત કર્યું છે. મતલબ કે જે મોક્ષનો માર્ગ છે તે એક જ છે અને તે સ્વભાવના આલંબન-એકાગ્રતારૂપ છે. જૈન પરમેશ્વરના આગમમાં આ આવ્યું છે.