Pravachan Ratnakar (Gujarati). Gatha: 153.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1556 of 4199

 

ગાથા–૧પ૩

अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति–

वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता।
परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति।। १५३ ।।

व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः।
परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति।। १५३ ।।

જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ-

વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧પ૩.

ગાથાર્થઃ– [व्रतनियमान्] વ્રત અને નિયમો [धारयन्तः] ધારણ કરતા હોવા છતાં [तथा] તેમ જ [शीलानि च तपः] શીલ અને તપ [कुर्वन्तः] કરતા હોવા છતાં [ये] જેઓ [परमार्थबाह्याः] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ते] તેઓ [निर्वाण] નિર્વાણને [न विन्दन्ति] પામતા નથી.

ટીકાઃ– જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.

ભાવાર્થઃ– જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે.