સમયસાર ગાથા-૧પ૩ ] [ ૯૭ ભાવ અને બાર પ્રકારના તપના ભાવ ઇત્યાદિ શુભકર્મોનો સદ્ભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે, કેમકે એ શુભકર્મો બધાં રાગ છે, બંધનાં કારણ છે; ભગવાન આત્મા એક જ અબંધસ્વરૂપ છે. ‘અંતરંગ’માં એમ જે શબ્દ કહ્યો છે તે વ્રતાદિમાં બહારની શરીરની જે ક્રિયા થાય છે તેના નિષેધાર્થે કહ્યો છે. મતલબ કે શરીરની ક્રિયાઓ તો દૂર રહો, પણ અંદર જે શુભરાગની-વ્રતાદિ ક્રિયાઓ થાય તેનો સદ્ભાવ હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે.
અહા! અજ્ઞાનીઓ વ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, સત્ય બોલે, ચોરી ન કરે, વસ્ત્રનો એક ધાગોય ન રાખે અને મહિના મહિનાના ઉપવાસ કરે, ઉણોદર, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ અનેકવિધ તપના વિકલ્પ કરે તોપણ તેમને મોક્ષનો અભાવ છે-એમ કહે છે. હમણાં ધ્યાનનું ખૂબ ચાલ્યું છે ને? ધ્યાન કરો, ધ્યાન કરો એમ પ્રચાર થાય છે. પણ કોનું ધ્યાન? વસ્તુનું સ્વરૂપ નજરમાં આવ્યા વિના શાનું ધ્યાન કરવું? સ્વરૂપની દ્રષ્ટિ વિના બધું રાગનું ધ્યાન છે. રાગ છે એ કાંઈ ધ્યાન છે? એ તો આર્ત્ત- રૌદ્રધ્યાન છે. ભગવાન આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયા વિના વ્રત, તપ, ધ્યાન ઇત્યાદિના વિકલ્પ કરે પણ એથી મોક્ષ છે નહિ, કેમકે શુભરાગ બધોય બંધનું જ કારણ છે.
હવે કહે છે-‘અજ્ઞાન જ બંધનો હેતુ છે.’ જુઓ, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભરાગ- શુભકર્મ અજ્ઞાન છે કેમકે એમાં ભગવાન આત્માના જ્ઞાનસ્વભાવનો અભાવ છે. એ અજ્ઞાન જ બંધનું કારણ છે.
આ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિના શુભભાવને અજ્ઞાનભાવ કહ્યો છે. બહુ આકરી વાત, ભાઈ! અત્યારે તો કેટલાક માને છે કે વ્રત, તપ ઇત્યાદિ મોક્ષનું કારણ છે કેમકે એ કરતાં કરતાં નિશ્ચય પ્રગટી જશે. પરંતુ ભાઈ! તારી એ માન્યતા વીતરાગમાર્ગથી વિરુદ્ધ છે. એ વ્રતાદિના વિકલ્પમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવનો-જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનો અભાવ છે-તો એનાથી ચૈતન્યરૂપ જ્ઞાનભાવ-વીતરાગભાવ કેમ પ્રગટ થાય? (ન થાય). ચિદ્ઘનસ્વરૂપ પ્રભુ આત્માના સ્વસંવેદનરહિત જે કાંઈ વ્રતાદિનું વેદન છે તે બધુંય રાગનું વેદન છે અને એ બધો અજ્ઞાનભાવ છે. સમજાણું કાંઈ...?
તો બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ તો કહ્યો છે?
બારમા ગુણસ્થાન સુધી જે અજ્ઞાનભાવ કહ્યો છે એ વાત જુદી છે. ત્યાં તો જ્ઞાનની ઓછપ છે, અપૂર્ણ જ્ઞાન છે; જ્ઞાનની પરિપૂર્ણતા થઈ નથી એ અપેક્ષાએ અજ્ઞાનભાવ કહ્યો છે. જ્ઞાન સમ્યગ્જ્ઞાન નથી એ વાત ત્યાં નથી. અહીં તો અજ્ઞાની જીવની વાત છે. વ્રત, તપ આદિ શુભરાગમાં ચૈતન્યના જાણપણાના સ્વભાવનો અંશ નથી