સમયસાર ગાથા-૧પ૪ ] [ ૧૦૭
અહાહા...! આ મોક્ષના કારણભૂત જે સામાયિક તે સામાયિક કોને કહેવાય તે અહીં બતાવે છે. એ સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે. પરમ પદાર્થ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ જે આત્મા તેનું જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતારૂપ જે ભવન-પરિણમન તેને સામાયિક કહીએ. આવું સામાયિક શુભરાગના સૂક્ષ્મ વિકલ્પના પણ અભાવરૂપ છે. શુભરાગરૂપ વિકલ્પ એ કાંઈ સામાયિક નથી, વિકલ્પમાત્રમાં સામાયિકની નાસ્તિ છે-અને સામાયિકમાં વિકલ્પની-રાગની નાસ્તિ છે.
સામાયિક પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર એટલે આત્માના ભવનમાત્ર છે. ભવનનો એક અર્થ ઘર (-રહેઠાણ) પણ થાય છે. ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. એનું આનંદરૂપ ભવન થવું એ એનું ઘર છે. શુભાશુભભાવનો નાશ એટલે અભાવ કરવાથી આનંદરૂપ જે નિર્મળ વીતરાગ પરિણતિ થાય તે એનું ભવન-ઘર છે. દયા, દાન આદિ જે શુભભાવ થાય તે કાંઈ ચૈતન્યનું ભવન-ઘર નથી. એવા ભવનમાં (દયા, દાન આદિરૂપ ભવનમાં) આત્મા રહેતો નથી. બહુ સૂક્ષ્મ-ઝીણી વાત ભાઈ! કાલે (શ્લોક ૧૦પ માં) આવ્યું હતું ને કે સર્વકલ્યાણરૂપ મોક્ષનો હેતુ જ્ઞાનનું ભવન છે. ભગવાન આત્મા પુણ્ય-પાપથી રહિત એવો સ્વરૂપથી જ વીતરાગસ્વભાવી છે. આવા વીતરાગમૂર્તિ ભગવાન આત્માનું દર્શન એટલે જેવું એનું પૂર્ણ સ્વરૂપ છે તેવી એની નિર્વિકલ્પ પ્રતીતિ, જ્ઞાન એટલે જેવું પૂર્ણ સ્વરૂપ છે તેવું એનું નિર્વિકલ્પ (રાગ વિનાનું) જ્ઞાન અને ચારિત્ર એટલે એ સ્વરૂપમાં જ રમણતા-તે-રૂપ જે ભવન તે એનું નિજઘર છે અને તે સામાયિક છે.
સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે એ એક વાત. વળી બીજું-તે એકાગ્રતાલક્ષણવાળું છે. સામાયિક સ્વરૂપમાં એકાગ્રતા રૂપ છે. ‘સામ્’ એટલે સામ્ય-સમતા-વીતરાગતા અને ‘આય’ એટલે લાભ. જેમાં સમતાનો, વીતરાગતાનો, આનંદનો લાભ મળે તે પરિણામ સામાયિક છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાલક્ષણવાળું છે. પોતાના ધ્રુવ એક ચૈતન્યસ્વરૂપને અગ્ર બનાવીને જે પરિણતિ-વીતરાગી આનંદનું પરિણમન-થાય તે એકાગ્રતાલક્ષણવાળું સામાયિક છે. હવે આવી ખબરેય ન હોય અને પાથરણું પાથરીને બે ઘડી બેસી જાય અને જાણે કે સામાયિક થઈ ગઈ અને બીજા શેઠીઆઓ રૂપિયાની લહાણી કરે; બસ, જાણે બન્નેને ધર્મ થઈ ગયો! પણ ભાઈ! એમાં ધૂળેય ધર્મ નથી. એમાં તો મિથ્યાત્વ પુષ્ટ થાય છે કેમકે એણે રાગની ક્રિયાને સામાયિક માનીને ધર્મ માન્યો. આવી સાંપ્રદાયિક દ્રષ્ટિ ગૃહીત મિથ્યાત્વ છે, બાકી અગૃહીત તો અનાદિનું છે જ.
વળી એ સામાયિક સમયસાર સ્વરૂપ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત જે આત્મા-સમયસાર તેનો અનુભવ તે સામાયિક-સમયસારસ્વરૂપ છે. ભગવાન આત્માનું ભવન થવું તે સામાયિક સમયસારસ્વરૂપ છે. પણ એનું ભવન કેમ થાય?