૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.
સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે, (સંકલેશપરિણામો તેમ જ વિશુદ્ધ- પરિણામો બન્ને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.) આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છેઃ- સામાયિકસ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે એની તો ખબર નથી અને બહારથી સામાયિક (ચારિત્ર) ગ્રહણ કરીને દયા, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગનું આચરણ કરીને ધર્મ થયો માને છે તેને સમજાવે છે કે-ભાઈ! એ ધર્મ નથી; તારું શુભાચરણ છે એ તો બંધનું, સંસારનું કારણ છે અને એને તું ધર્મ માને છે એ માન્યતા મિથ્યાત્વ છે.
‘સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજસ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં...’
શું કહે છે? કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી-એટલે એકલા પાપકર્મનો નાશ કરવાથી એમ નહિ, પણ પાપ અને પુણ્ય એ બેય ભાવોનો નાશ કરવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આ આત્મોપલબ્ધિ એ મોક્ષ છે અને મોક્ષને જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં-
કહે છે-‘મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે...’