૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જે ચિદાનંદમય ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તેના લક્ષ્યથી રહિત હોવાથી તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.
પ્રશ્નઃ– પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયોની વાત કીધી છે ત્યાં પ્રચંડ કર્મકાંડ વડે જ્ઞાનકાંડ પ્રચંડ કરવાની વાત આવે છે ને?
ઉત્તરઃ– હા, પણ એનો અર્થ શું? શું રાગ છે માટે સૂક્ષ્મ ચૈતન્ય હાથ આવે છે એમ છે? શુદ્ધ ચૈતન્યની વીતરાગી પરિણતિ શું રાગને લઈને છે? ના; એમ નથી. એ તો જ્ઞાનકાંડના સહચરપણે વર્તતા કર્મકાંડને બતાવવા એવું વ્યવહારનયનું કથન છે. બાકી શુદ્ધ પરિણતિ સ્વયં પોતાના સ્વકાળે સ્વતઃ ઉત્પાદરૂપ થાય છે; એને રાગની કે નિમિત્તની-દેવ-ગુરુ-શાસ્ત્રની કોઈ અપેક્ષા નથી. અરે એને (-શુદ્ધ પરિણતિને) નિજ દ્રવ્યની પણ કયાં અપેક્ષા છે? તે પર્યાય માત્ર શુદ્ધ ચૈતન્યમય દ્રવ્યનું લક્ષ કરે છે બસ એટલું જ; બાકી જે શુદ્ધ રત્નત્રયની જે વીતરાગી પર્યાય થાય તે સ્વતંત્ર પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી થાય છે અને એ જ એની જન્મક્ષણ (સ્વકાળ) છે.
અહીં કહે છે કે તેઓ શુભભાવમાં વર્તે છે તેથી સ્થૂળ લક્ષ્યવાળા છે કેમકે સૂક્ષ્મ ચૈતન્યના લક્ષ્યનો તેમને અભાવ છે. તેથી તેમને સામાયિક કયાંથી હોય? તેઓ બે ઘડી માટે સામાયિક લઈને બેસી જાય અને ‘ણમો અરિહંતાણં’ ઇત્યાદિ પંચપરમેષ્ઠીનું સ્મરણ-સ્તુતિ કરે પણ તેથી શું? ભગવાન પંચપરમેષ્ઠી નિજ આત્મદ્રવ્યથી ભિન્ન પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્યનું સ્મરણ સ્થૂળ શુભરાગ છે. ત્યાં (શુભરાગમાં) જ્ઞાનના ભવનમાત્ર સામાયિક કયાં આવી?
અહીં ‘સ્થૂળ લક્ષ્યવાળા હોઈને’ એમ કહીને એ પણ સિદ્ધ કર્યું કે તેઓ જે શુભમાં વર્તે છે તે કોઈ જડ પુદ્ગલકર્મને લઈને વર્તે છે એમ નથી, પણ પોતાના ઊંધા પુરુષાર્થથી શુભમાં વર્તે છે. હવે જ્યાં પુરુષાર્થ જ ઊંધો છે ત્યાં સામાયિક કેમ હોય? (ન જ હોય).
ત્યારે કેટલાક કહે છે-શુભભાવ હોય તો પછી એ કાળે શુભ છૂટીને શુદ્ધતા થાય પણ અશુભના કાળે અશુભ છૂટીને કાંઈ શુદ્ધતા થોડી પ્રગટ થાય? સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે તેની પહેલાં છેલ્લો ભાવ શુભ હોય છે અને એ શુભના અભાવપૂર્વક નિશ્ચયની દ્રષ્ટિ થાય છે, પણ અશુભને છોડીને નિશ્ચયદ્રષ્ટિ પ્રગટ થાય એમ બનતું નથી. માટે એટલો તો શુભ સારો છે એમ કહો; એમ કે-શુભભાવ એટલી તો મદદ કરે છે ને?
તો કહે છે-ના; એમ નથી. બેય (શુભાશુભ બંને) નિરર્થક, જૂઠા છે. એ અશુભમાં વર્તે તોય કર્મકાંડમાં વર્તે છે અને શુભમાં વર્તે તોય કર્મકાંડમાં વર્તે છે. આત્મકાંડમાં (જ્ઞાનકાંડમાં) એટલે નિર્મળ વીતરાગ પરિણતિમાં તે વર્ત્યો જ નથી.