સમયસાર ગાથા-૧પ૪ ] [ ૧૧૩ કરો, દેશની સેવા કરો, માનવસેવા કરો, ‘માનવસેવા તે પ્રભુ-સેવા’ -આવો આવો ઉપદેશ સાંભળી અજ્ઞાની રાજી રાજી થઈ જાય છે, અને શુભભાવમાં રાચે છે. ભગવાન વીતરાગદેવે તો વીતરાગતાને ધર્મ ફરમાવ્યો છે, પણ એની એને કયાં ખબર છે? આનો (જિનાગમનો) સ્વાધ્યાય કરે તો ખબર પડે ને? પણ એને કયાં ફુરસદ છે? ભાઈ! અહીં તો કહે છે કે સંકલેશ પરિણામોની જેમ જ વિશુદ્ધ પરિણામો અત્યંત સ્થૂલ છે અને બંધનાં કારણ છે. એક આત્મસ્વભાવ જ સૂક્ષ્મ છે અને મોક્ષનું કારણ છે.
હવે કહે છે-‘આ રીતે તેઓ-જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.’
અજ્ઞાની અશુભકર્મને બંધનું કારણ માને છે પણ જેમાં કર્મનો ભેદ અનુભવ છે એવા શુભને મોક્ષનું કારણ માને છે; એમ કે શુભ કરતાં કરતાં મોક્ષમાર્ગ થઈ જશે. તે એમ કહે છે- આપણે કયાં દુકાને બેઠા છીએ, આપણે તો અપાસરે બેઠા છીએ; આપણે કયાં ઘરમાં (ગૃહવાસી) છીએ, આપણે તો દેરાસરમાં ભગવાન પાસે બેઠા છીએ; ઇત્યાદિ. પણ ભાઈ! જ્યાં તું બેઠો છે એ બધો શુભરાગ છે. કાંઈ અંદર આત્મામાં બેઠો નથી, સામાયિકસ્વરૂપ પોતાના ભગવાનમાં બેઠો નથી.
પ્રશ્નઃ– શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, પણ એનો અર્થ શું? કે સાધક ધર્મીજીવ એનો (-શુભનો) અભાવ કરીને- એટલે કે વર્તમાનમાં એનો પૂરો અભાવ નથી તો અંદર સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરીને એનો અભાવ કરશે તે અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બધાની આ તકરાર છે કે શુભને પરંપરા કારણ કહ્યું છે. પણ એનો અર્થ શું થાય એની ખબર નથી. ભાઈ! ચૈતન્યના અવલંબને જે વીતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે. તે પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. પણ તે વેળા ક્રમશઃ અભાવરૂપ થતો જે શુભરાગ સહચરપણે છે તેમાં આરોપ આપીને તેને પરંપરા કારણ કહ્યું છે. શુભરાગ ખરેખર પરંપરા કારણ છે એમ છે નહિ; સમજાણું કાંઈ...! લ્યો, આવી ખબર નથી એટલે અજ્ઞાની જીવો શુભને જ મોક્ષનું કારણ જાણી તેનો આશ્રય કરે છે.