Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1577 of 4199

 

૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ હતા, એની વસ્તુમાં ન હતા. પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતાં નીકળી ગયા અને વસ્તુ જેવી વીતરાગ હતી તેવી રહી ગઈ. સમજાણું કાંઈ...? વીતરાગ એટલે વીત+રાગ- વીતી ગયો છે રાગ જેને તે વીતરાગ છે. એથી એ સિદ્ધ થયું કે-રાગ વસ્તુનો-આત્માનો સ્વભાવ ન હતો તે નીકળી ગયો અને વીતરાગતા રહી ગઈ.

હવે ગુરુનો વિચાર કરીએ-કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયનું નિર્મળ વીતરાગ પરિણામ થયું છે અને જે વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે ગુરુ છે. જે બહારના દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં ધર્મ થવાનું માને અને મનાવે તે સાચા ગુરુ નથી, તે દિગંબર સાધુ નથી. ગુરુ સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગભાવને પ્રાપ્ત થયેલા છે અને વીતરાગી પરિણમનની જ પ્રરૂપણા કરે છે. વીતરાગપણું પ્રગટ કરો એમ એમના ઉપદેશમાં આવે છે અને તે વીતરાગતા ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે, ક્રિયાકાંડના આશ્રયે નહિ એવો સ્પષ્ટ તેમનો ઉપદેશ હોય છે. ક્રિયાકાંડ વડે વીતરાગતા પ્રગટ થાય એવી પ્રરૂપણા કરે તે સાચા જૈન ગુરુ નથી.

એવી જ રીતે જે વીતરાગસ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. અહીં કહ્યું ને કે-જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું થવું-પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તદ્રૂપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા...! હું સદાય વીતરાગસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે; મહેમાનની જેમ તે આવે ને જાય, એ કાંઈ મારી ચીજ નથી; આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વીતરાગી ચારિત્ર છે અને આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે.

આ પ્રમાણે દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય વીતરાગસ્વરૂપ જ હોય છે. લ્યો, આ ભગવાનની વાણી જે બાર અંગ અને ચૌદપૂર્વના વિસ્તારરૂપ છે તેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે. એ બધું વિસ્તારપૂર્વક જે વર્ણન છે તે એક સમભાવને-વીતરાગભાવને જ પ્રસિદ્ધ કરે છે. અહાહા...! ભગવાન સર્વજ્ઞદેવ પરમ વીતરાગ સમભાવી, નિર્ગ્રંથ દિગંબર ગુરુ સમભાવી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગ-સમભાવરૂપ જ છે. વીતરાગ કહો કે સમભાવ કહો, બન્ને એક જ છે. આ પુણ્ય-પાપના જે ભાવ છે તે વિષમભાવ છે અને એનાથી રહિત જે ચૈતન્યના નિર્મળ પરિણામ છે તે સમભાવ છે, વીતરાગભાવ છે અને તે ધર્મ છે. અહા! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે બાપુ! અરે! અત્યારે લોકોએ તેમાં ફેરફાર કરી નાખ્યો છે!

ધર્મના યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના મંદ કષાયના પરિણામ કરી કરીને જીવ