સમયસાર ગાથા-૧પપ ] [ ૧૧૭ અનંતકાળથી દુઃખનો ભાર ભરી-ભરીને મરી રહ્યો છે. ઉપવાસ કરે, પ્રોષધ કરે, પ્રતિક્રમણ વગેરે કરે અને માને કે અમે ધર્મ કરીએ છીએ, પણ ભાઈ! એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને. એ તો બધો રાગ છે અને જે તું એમ માને છે કે-આ રાગ કરું છું તે ધર્મ છે અને કર્તવ્ય છે એ માન્યતા મિથ્યાદર્શન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જૈન પરમેશ્વર તો વ્યવહારથી પણ જૈન એને કહે છે જેને, દેવ વીતરાગી, ગુરુ નિર્ગ્રંથ વીતરાગી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી જ હોય એવું વાસ્તવિક શ્રદ્ધાન છે. અંતરંગ જૈનપણું તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! એ વાડાની ચીજ નથી. સમજાણું કાંઈ...?
શુભાશુભરાગથી રહિત ભગવાન આત્મા એકલો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે. એનું પોતાના શ્રદ્ધાનસ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તે સમ્યગ્દર્શન છે. જીવાદિ પદાર્થોનું જે ભેદરૂપ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન નહિ. એ તો રાગ છે. સમ્યગ્દર્શન તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાનના રાગરહિત પરિણમનરૂપ છે. હવે આવી ખબર ન મળે અને અનેક પ્રકારે ક્રિયાકાંડની ધમાલ કરે અને માને કે પાપ ધોવાઈ ગયાં તો કહીએ છીએ કે ધૂળેય પાપ ધોવાયાં નથી. એ ક્રિયાકાંડમાં આત્મા કયાં છે, ધર્મ કયાં છે કે પાપ ધોવાય?
ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કે- આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે. અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન જ્ઞાયકના શ્રદ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા...! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. આવા સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ સાચું નહિ અને ચારિત્ર પણ સાચું નહિ. અરે! આ વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિ તો એકડા વિનાનાં મીડાં છે.
પ્રશ્નઃ– હા; પણ એ (-વ્રતાદિ) વડે પરંપરા તો ધર્મ થશે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! સમ્યગ્દર્શનનું જે બાહ્ય નિમિત્ત દેવ અને ગુરુ તે વીતરાગી જ હોય એવી ય હજુ જેને ખબર નથી તે મિથ્યાદ્રષ્ટિના ક્રિયાકાંડમાં પરંપરા ધર્મ કેવો? ભાઈ! શુભરાગની ક્રિયાને જે પરંપરાએ ધર્મ કહ્યો છે એ તો આરોપ આપીને કહ્યો છે અને એ આરોપ તો સમકિતીની બાહ્ય ક્રિયામાં લાગુ પડે છે. (મિથ્યાદ્રષ્ટિને જ્યાં ધર્મપરિણતિ જ નથી ત્યાં કોનો આરોપ કરવો?). માર્ગ બહુ આકરો છે ભાઈ! પણ શું થાય?