૧૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
જન્મ-મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનો માર્ગ એકલો વીતરાગતારૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે.
પ્રશ્નઃ– તો ‘સરાગ સમકિત’-એમ આવે છે ને?
ઉત્તરઃ– સમકિત તો સરાગ નથી; જે પ્રતીતિરૂપ પરિણમન છે એ તો શુદ્ધ વીતરાગ જ છે. પરંતુ ધર્મીને સહકારી ચારિત્રના દોષરૂપ જે સરાગતા હોય છે તેનો આરોપ આપીને સરાગ સમકિત એમ ઉપચારથી કહેવામાં આવે છે.
આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગસ્વભાવી છે. તેના શ્રદ્ધાનરૂપ જે ભવન- પરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. આ ચોથા ગુણસ્થાને જે સમકિત પ્રગટ થાય છે એની વાત છે. અત્યારે તો ચીજ આખી જાણે દુર્લભ થઈ પડી છે! શ્રાવકના પાંચમા અને મુનિના છટ્ઠા ગુણસ્થાનની વીતરાગતાની (-ચારિત્રની) તો કોઈ ઓર વાત છે. આ વાડાના જે શ્રાવક તે શ્રાવક નહિ, એ તો શ્રાવક છે જ નહિ. આ તો સાચા સમકિતી શ્રાવકની વાત છે. હજી સમકિતના સ્વરૂપનીય ખબર ન હોય તે વળી શ્રાવક કેવો? વળી પાંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુપ્તિ પાળે, ૨૮ મૂલગુણ પાળે માટે સાધુ-એમ જૈનદર્શનમાં એને સાધુ કહ્યા નથી, કેમકે એ બધો રાગ-વિકલ્પ છે. આ તો રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ત્રણ કષાયના અભાવપૂર્વક જે વીતરાગતા પ્રગટ થાય તે સાધુપણું છે, ધર્મ છે.
‘જીવાદિનું શ્રદ્ધાન સમકિત’-એમ જે કહ્યું ત્યાં આ (એકેન્દ્રિયાદિ) જીવ છે અને આ (ઘટપટાદિ) અજીવ છે એવી શ્રદ્ધાની વાત નથી. પરંતુ જીવ જ્ઞાયકભાવે- વીતરાગસ્વભાવે છે અને રાગસ્વભાવે-કર્મસ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ જે વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે. ‘શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું’-એમ છે ને ટીકામાં? ત્યાં જ્ઞાન એટલે આત્મા; જ્ઞાન કેમ લીધું? કે ઓલો રાગ નહિ; રાગનો અભાવ સૂચવવો છે. વ્રતાદિનો રાગ જે વિભાવ છે, વિકાર છે તેનાથી રહિત જ્ઞાનનું થવું એટલે કે આત્માનું પરિણમવું એમ વાત છે. અહાહા...! વીતરાગસ્વરૂપી આત્મા સ્વરૂપના શ્રદ્ધાનરૂપ વીતરાગ પરિણતિએ પરિણમે તેને સમ્યગ્દર્શન કહ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ!
પ્રશ્નઃ– તો કાંઈક સહેલું બતાવો ને?
ઉત્તરઃ– સહેલું કહો તો સહેલું અને અઘરૂં કહો તો અઘરૂં કાર્ય કરવાનું આ છે. ભાઈ! વેપાર-ધંધા આદિ પાપની મજૂરીમાં ડટયા રહેવું અને પૂછો છો કે ઝટ સમજાઈ જાય એવું સહેલું બતાવો તો કહીએ છીએ કે-એ બેય સાથે બને એમ નથી. સમજાણું કાંઈ...? આ તો ફુરસદ લઈને સમજવા જેવી ચીજ છે.