સમયસાર ગાથા-૧પપ ] [ ૧૨૭ કલાક મળે અને સાંભળવા જાય ત્યાં અરે! કુગુરુ એનો કલાક લૂંટી લે! રે શું થાય? આ જિંદગી એમ ને એમ ચાલી જશે હોં. આ પૈસા-બૈસા કોઈ શરણ નહિ થાય પ્રભુ! કદાચ એમાંથી થોડા પૈસા ધર્મને નામે ખર્ચે તોપણ એથી ધર્મ નહિ થાય, માત્ર ધર્મના નામે તું છેતરાશે કેમકે એને જે તું ધર્મ માને છે એ (-માન્યતા) મિથ્યાત્વ છે.
ભાઈ! તું ચૈતન્યમૂર્તિ વીતરાગસ્વભાવી આત્મા છે ને પ્રભુ! એનું જ્ઞાન કરીને અંતર્મુખ થઈ એને લક્ષમાં લે તો તને ધર્મ થાય.
કોઈને એમ લાગે કે આત્મા અત્યારે વીતરાગ કેમ હોય? એ તો કેવળી થાય ત્યારે વીતરાગ હોય. તેને કહીએ છીએ કે-ભાઈ! તું સદાય (ત્રણેકાળ) સ્વભાવે વીતરાગસ્વરૂપ છે; હમણાંય વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વભાવથી વીતરાગ ન હોય તો પ્રગટે કયાંથી? માટે ભગવાન! એવા વીતરાગસ્વરૂપ આત્મામાં તન્મયપણે એકાગ્ર થઈ એનો જ આશ્રય કર, એમાં જ જામી જા. તેથી પર્યાયમાં-અવસ્થામાં વીતરાગતા-રત્નત્રયના પરિણામ પ્રગટ થશે અને એ જ ધર્મ છે, એ જ મોક્ષમાર્ગ છે, એ જ ભગવાન થવાનો માર્ગ છે.