Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1592 of 4199

 

સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૩૧ કે આ વ્રત, તપ, શીલ વગેરે મોક્ષમાર્ગ છે એમ શાસ્ત્ર ભણી-ભણીને અર્થ કાઢે છે, અને એમ વર્તે છે. અહીં કહે છે કે તેઓ (-શાસ્ત્ર ભણીને પણ) મૂઢ અજ્ઞાની છે અને તેમનો મોક્ષ થતો નથી; કેમકે તે વ્રતાદિનો રાગ વીતરાગમાર્ગથી-મોક્ષમાર્ગથી જુદો અન્ય છે.

જુઓ, ભગવાન કુંદકુંદના સમયમાં પણ શાસ્ત્રનું પઠન કરનારા કોઈ વિદ્વાનો વ્યવહારથી ધર્મ થાય એમ માનનારા હશે. ત્યારે તો ગાથામાં કીધું કે-‘मोत्तूण णिच्छयट्ठं ववहारेण विदुसा पवट्टंति’ વિદ્વાનો નિશ્ચયને છોડીને એટલે કે-શુદ્ધ ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા- એને છોડી દઈને વ્યવહારમાં વ્રતાદિના રાગમાં વર્તે છે પણ ‘परमट्ठमस्सिदाण’...પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. અહાહા...! સ્વરૂપમાં ગુપ્ત થયેલા અંતર-આનંદમાં રમનારા મુનિવરોને જ આગમમાં મોક્ષ કહ્યો છે. ભાઈ! તું વ્રત, તપ ઇત્યાદિ વ્યવહારને મોક્ષનું કારણ માને છે પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થતાં વીતરાગપરિણતિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ મોક્ષનું કારણ છે.

બિચારાને ખબર ન મળે કે-આનંદ શું અને દુઃખ શું? અને મંડી પડે વ્રત અને તપ કરવા. પણ ભાઈ! એ વ્રત અને તપનો રાગ બધો દુઃખ અને આકુળતા છે. શું થાય? નિરાકુળ આનંદ જોયો (અનુભવ્યો) હોય તો આકુળતાની ખબર પડે ને? એ મેળવે કોની સાથે? બીજો સાચો માલ જોયો હોય તો મેળવે ને કે આ માલ ખોટો છે? એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે છે. પણ એનું ફળ બહુ આકરું આવશે પ્રભુ!

અહીં કહે છે-યતિવરોને એટલે મુનિવરોને-સંતોને પરમાર્થ કહેતાં શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષનો માર્ગ અને મોક્ષ થાય છે અને વ્યવહારમાં લીનપણે જે વિદ્વાનો વર્તે છે તેમને તો બંધ જ થાય છે, સંસાર જ ફળે છે. બંધના કારણને તેઓ મોક્ષનું કારણ સમજે છે તે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વીતરાગનો આવો માર્ગ છે બાપા! લૌકિકથી સાવ જુદો. આવો માર્ગ કદી સાંભળવા ન મળ્‌યો હોય એટલે શું સત્ય કાંઈ બીજું થઈ જાય? સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે.

પ્રશ્નઃ– પણ એ (-વ્રતાદિ) વ્યવહાર મોક્ષમાર્ગ તો છે ને?

ઉત્તરઃ– વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર છે. વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો સાચા મોક્ષમાર્ગના સહચારી રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહીને વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો છે. (એ તો બાહ્ય યથાસંભવ રાગ કેવો છે તે બતાવનારું નિમિત્તનું કથન છે). અરે! આમ ને આમ નિશ્ચય-વ્યવહારમાં ભરમાઈને પ્રભુ! તું ચોરાસીના અવતાર કરી-કરીને રખડી મર્યો છે!