૧૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
આત્માનો જે વીતરાગસ્વભાવ છે તે-રૂપે પરિણમવું એ જ પરમાર્થ મોક્ષનું કારણ છે. એ સિવાય દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ જે રાગ છે તે મોક્ષનું કારણ નથી એમ હવે કહે છેઃ-
‘પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે.’
જુઓ, આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન સદાય વીતરાગસ્વભાવી છે. તે વીતરાગસ્વરૂપે નિરાકુળ આનંદના સ્વભાવે નિર્વિકાર પરિણમે તે પરમાર્થ કહેતાં સત્યાર્થ મોક્ષમાર્ગ છે. હવે એનાથી જુદો વ્રત, તપ વગેરે શુભકર્મરૂપ-શુભભાવરૂપ જે રાગ છે તેને કેટલાક લોકો મોક્ષનો ઉપાય માને છે તેનો સમગ્રપણે નિષેધ કરવામાં આવ્યો છે એમ કહે છે. અર્થાત્ તે વ્રતાદિનો રાગ મોક્ષનું કારણ નથી એમ સ્પષ્ટ કહેવામાં આવે છે. ગાથા ૧પ૪ માં વ્રત, નિયમ, શીલ, તપ, ઇત્યાદિ-એમ ચાર બોલ લીધા છે. અહીં પહેલો અને છેલ્લો વ્રત અને તપનો બોલ કહીને એ બધાનો આમાં સમાવેશ કરીને કહ્યું કે એ સઘળો જે પુણ્યનો ભાવ છે તેને કેટલાક અજ્ઞાની લોકો મોક્ષનો માર્ગ માને છે પણ તે મોક્ષનો માર્ગ નથી. એ વ્રતાદિના રાગને મોક્ષના હેતુપણે આખોય નિષેધવામાં આવ્યો છે.
પહેલાં કોઈના મરણ પછી બાઈઓ છાજિયાં લેતી. એમાંથી જો કોઈ બરાબર છાજિયાં ન લે તો બીજી બાઈઓ ટકોર કરે કે-આ શું લાકડું ભાગ્યું છે તે બરાબર છાજિયાં નથી લેતાં? એમ આજે કોઈ બાઈએ વર્ષીતપ, ઉપવાસ વગેરે કર્યા હોય અને પોતે ખર્ચ કરીને ઉજમણું કરે એવી સંપત્તિવાન હોય પણ જો ખર્ચ કરીને એનું ઉજમણું ન કરે તો બીજી બાઈઓ ટકોર કરે કે-શું આ તે કાંઈ લાંઘણો કરી છે તે ઉજમણું નથી કરતાં? અરે! ધર્મને નામે આ વ્રત અને તપ કરીને રાગના મલાવા કરે એ બધા (આત્માનાં) છાજિયાં લેનારા છે; કેમકે એમાં આત્મા કયાં છે? આત્માને તો રાગના પ્રેમમાં મરણતોલ કરી નાખ્યો છે. શું થાય? અત્યારે તો વીતરાગ માર્ગ પડયો રહ્યો એકકોર ને બીજો માર્ગ ચાલે છે. અહીં કહે છે એવો બીજો માર્ગ જૈનશાસનમાં છે જ નહિ. ભાઈ! આ સમજવું પડશે હોં; નહિતર અવતાર ખલાસ થઈ જશે. (એળે જશે). અરેરે! આ સાંભળવાનુંય મળે નહિ એ બિચારા શું કરે? કયાં જાય? માથે પરિભ્રમણ ઊભું રહે.
ટીકામાં ‘કેટલાક લોકો માને છે’-એમ કહ્યું છે. પાઠમાં તો લીધું છે કે-‘ववहारेण विदुसा पवट्टंति’-વિદ્વાનો વ્યવહારમાં પ્રવર્તે છે. વિદ્વાનો એટલે શાસ્ત્રના પાઠી, શાસ્ત્રના વાંચનારા શાસ્ત્ર વાંચીને એમાંથી વ્યવહાર શોધીને કાઢે છે. એટલે એમ