૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
જેઓ ભાગ્યહીન એટલે પુરુષાર્થહીન છે, તળમાં જતા નથી તેઓને રાગ અને પુણ્યના શંખલા જ હાથ આવે છે. તેઓને સંસાર જ પ્રાપ્ત થાય છે. અહા! ધર્મીને જ્ઞાન અને આનંદ પાકે અને પુણ્યની રુચિવાળાને સંસાર જ પાકે છે. આવું છે, બાપુ! માર્ગ આવો છે ભાઈ!
ત્યારે કેટલાક કહે છે-આ સોનગઢનું એકાન્ત છે. વળી કેટલાક કહે છે કે કાનજીસ્વામી જાદૂગર છે; એમ કે લાકડીથી લોકોને વશ કરી નાખે છે. આમ ગમે તેમ લોકો ડીંગ હાંકે રાખે છે. ભાઈ! આ લાકડી તો હાથમાં પરસેવો થાય તે શાસ્ત્રને ન લાગે, અસાતના ન થાય એ માટે રાખી છે. એક સુખડની હતી એ તો ચોરાઈ ગઈ. પછી આ પ્લાસ્ટીકની લાવ્યા છે. આ લાકડીમાં શું છે? એ તો જડ માટી-પુદ્ગલ છે. ત્યારે કહે છે-આપે મંત્ર લગાડયો છે. મંત્ર-બંત્ર કાંઈ છે નહિ, ભાઈ! અહીં તો તું શુદ્ધ જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ આત્મા છો એવો મંત્ર છે. એની વાત સાંભળીને જિજ્ઞાસુઓ આકર્ષાય છે. બસ આ મંત્ર છે.
અહાહા...! સમજણનો પિંડ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છે. એના સ્વભાવે પરિણમવું એટલે એના તળમાં દ્રષ્ટિ ઠેરવીને વીતરાગી પરિણતિએ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ભાવે પરિણમવું એ એકદ્રવ્યસ્વભાવી હોવાથી મોક્ષનું કારણ છે. હવે આને એકાન્ત કહો તો એકાન્ત; એ સમ્યક્ એકાન્ત છે. સમજાણું કાંઈ...? આવું એને આકરું લાગે; અને આણે દયા પાળી ને આણે ઉપવાસ કર્યા ને આણે કરોડોનું દાન કર્યું ઇત્યાદિ બધું સારું લાગે, પણ પ્રભુ! એથી ધર્મ નહિ થાય. એમ ને એમ જિંદગી વહી જશે, બાપા! આવું મનુષ્યપણું મળ્યું એની એક ક્ષણ પણ મહામૂલ્યવાન છે; એની એક ક્ષણ સામે કરોડો રત્નોનો ઢગલો કરો તોપણ એની કિંમત ન થાય એવું આ મનુષ્યપણું મોંઘુ છે. ભાઈ! એને વિષય-કષાયમાં અને રાગના રાગમાં રગદોળી ન નખાય.
અહા! આ જુવાની ઝોલા ખાતી વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહેશે. પછી ખેદ કરવાથી શું? જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહિ, ઇન્દ્રિયો શિથિલ પડે નહિ, શરીરમાં રોગ વ્યાપે નહિ તે પહેલાં (તત્ત્વદ્રષ્ટિ) કરી લે બાપુ! પછી તારાથી કાંઈ નહિ થાય. પછી તો કેડ દુઃખશે, માથુ ચઢશે, ઉઠ-બેસ થઈ શકશે નહિ, દેખાશે નહિ, સંભળાશે નહિ. માટે હમણાં જ આત્મહિત કરી લે. આ સાડાત્રણ હાથના શરીરમાં એક એક તસુએ ૯૬ રોગ છે-એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તો આખા શરીરમાં કેટલા રોગ થયા? ભાઈ! તું ગણ તો ખરો. આમાં અમને મઝા છે અને અમે સુખી છીએ એવી ભ્રમણા છોડ, વિષય-કષાયની દ્રષ્ટિ છોડ, રાગની દ્રષ્ટિ છોડ. એ તો બધી આકુળતા છે, બાપુ! આ અહીં ભગવાન કહે છે તે સાંભળ!