Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1606 of 4199

 

સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૪પ

‘‘વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.’’

ભાઈ! આ ભગવાનની વાણી તો ભવરોગને મટાડનારું પરમામૃત છે. પણ શુભભાવની જેમને રુચિ છે એ કાયરોને તે સુહાતી નથી. શુભરાગની રુચિવાળાને શાસ્ત્રમાં કાયર-નપુંસક કહ્યા છે. ભલે એ મોટો અબજોપતિ શેઠ હોય, કે મોટો રાજા હોય કે નવમી ગ્રૈવેયકનો દેવ હોય, જો તેને પુણ્યભાવની રુચિ-પ્રેમ છે તો તે કાયર-નપુંસક છે કેમકે એને ધર્મની પ્રજા નથી. જેમ પાવૈયાને પ્રજા ન હોય તેમ આને ધર્મની પ્રજા નથી તેથી તે નપુંસક છે. આવી વાત છે ભાઈ!

જે દર્શન-ભ્રષ્ટ છે તે બધાયથી ભ્રષ્ટ છે. શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થશે એવી જેને માન્યતા છે તે દર્શનથી-શ્રદ્ધાથી ભ્રષ્ટ છે; માટે તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેયથી ભ્રષ્ટ છે. તેથી તો કહ્યું કે-પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ, ૨૮ મૂલગુણ ઇત્યાદિ જે વ્યવહારચારિત્રના પરિણામ છે તે શુભભાવરૂપ કર્મકાંડ છે; એ આત્માના નિર્મળભાવરૂપ જ્ઞાનકાંડ નથી. બહુ આકરી વાત બાપુ! આવા બધા પુણ્યના ભાવ તો તેં અનંતવાર કર્યા; પણ તેથી શું વળ્‌યું? છહઢાળામાં કહ્યું છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.’’

અહા! આત્મજ્ઞાન વિના-સમ્યગ્દર્શન વિના અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં. પાંચ મહાવ્રત, સમિતિ અને ગુપ્તિ અનંતવાર પાળ્‌યાં. અનંતવાર બાળ બ્રહ્મચારી રહ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું, અર્થાત્ દુઃખ જ થયું. મતલબ કે એ વ્રત અને તપના પરિણામ એને લેશ પણ સુખ ન આપી શકયા. નવમી ગ્રૈવેયક ગયો પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્‌યો, સુખની પ્રાપ્તિ ન થઇ. પરિભ્રમણ ઊભું રહ્યું, કેમકે આત્માનુભવ વિના બધું જ દુઃખરૂપ છે, ફોગટ સંસાર ખાતે જ છે. આવી વાત છે. બાપુ! સમજાય એટલું સમજો. માર્ગ આ છે; અહીં વીતરાગ માર્ગમાં કોઈની સિફારસ લાગતી નથી.

સત્યને માનનારા થોડા છે અને અસત્યને માનનારા ઝાઝા છે. પણ એ રીતે સંખ્યા વડે સત્ય-અસત્યનું માપ નથી. સત્યનું માપ તો સ્વયં સત્યથી છે. તેને માનનારા ભલે એકાદ બે હોય વા ન હોય, તેથી સત્ય કાંઈ બીજું થઈ જતું નથી.

[પ્રવચન નં. ૨૧૯ શેષ, ૨૨૦, ૨૨૧ * દિનાંક ૨-૧૧-૭૬ થી ૪-૧૧-૭૬]