Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1605 of 4199

 

૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

‘च’ અને ‘मोक्षहेतुतिरोधायित्वात्’ તે (-કર્મ) મોક્ષના કારણના

તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી...

શું કહે છે? આ વ્રતાદિરૂપ જેટલું છે શુભકર્મ તે મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું છે. સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતારૂપ જે મોક્ષમાર્ગ છે તેનાથી કર્મ એટલે પુણ્ય-પાપરૂપ પરિણામ વિપરીત સ્વભાવવાળા છે. હવે કહે છે-

તેથી ‘तत् निषिध्यते’ તેને (-કર્મ) નિષેધવામાં આવે છે. જુઓ, વ્રતાદિ સમસ્ત શુભભાવરૂપ કર્મને નિષેધવામાં આવે છે એમ ત્રણ બોલથી કહ્યું-

૧. કર્મ મોક્ષના કારણનું ઢાંકનારું વા ઘાતનશીલ છે, ૨. કર્મ સ્વયં બંધસ્વરૂપ છે અને ૩. કર્મ મોક્ષના કારણના વિરોધી સ્વભાવવાળું છે.

અહાહા...! ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવી સદા મુક્તરૂપ જ છે અને એના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય એ પણ અબંધસ્વરૂપ છે. અને તેથી મોક્ષનું કારણ છે. પરંતુ શુભાશુભ કર્મ જે છે તે મોક્ષના કારણના ઘાતનશીલ હોવાથી, સ્વયં બંધસ્વરૂપ હોવાથી અને મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું હોવાથી નિષિદ્ધ છે. અહાહા...! વ્રત, તપ આદિના શુભભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામના ઘાતક અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી નિષિદ્ધ છે. શુભભાવથી મને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાદર્શન, એવું જ એકલા શુભભાવનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને શુભભાવમાં જ રમણતા તે મિથ્યાચારિત્ર છે.

અહીં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ વિપરીતસ્વભાવવાળા કહીને જડ અચેતન કહ્યા. મતલબ કે જ્યાં ચૈતન્યના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ હોય ત્યાં મિથ્યા-દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ ન હોય. બન્ને જાતના પરિણામ એકી સાથે ન હોય. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ જેને છે તેને મિથ્યાત્વસહિત રાગના પરિણામ નથી. અહીં ત્રણે વાત સાથે લેવી છે ને? જેને આત્માનાં નિર્વિકલ્પ શ્રદ્ધાન-જ્ઞાન અને શાંતિનું વેદન થાય તેને કદાચિત્ રાગ હોય પણ તે મિથ્યાત્વ સહિત નથી અને તેને રાગનું સ્વામિત્વ અને એમાં ઇષ્ટપણાનો ભાવ પણ નથી. તેથી તેને પૂર્ણ વીતરાગતા ન હોવા છતાં મિથ્યાચારિત્ર નથી, સમ્યક્ચારિત્ર જ છે.

અહાહા...! સ્વભાવથી જ આત્મદ્રવ્ય ભગવાનસ્વરૂપ વીતરાગસ્વરૂપ છે. તેનાં શ્રદ્ધાન- જ્ઞાન અને રમણતારૂપ પરિણામ મોક્ષમાર્ગ છે. અને શુભાશુભ કર્મ તેનાં ઘાતક છે, સ્વયં બંધસ્વરૂપ છે અને શુદ્ધ પરિણામથી વિપરીત સ્વભાવવાળાં છે માટે નિષેધ્યાં છે. લ્યો, આ ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે પીરસેલું પરમામૃત છે. શ્રીમદે કહ્યું છે ને કે-