Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1615 of 4199

 

૧પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કરે છે તો તે યથાર્થ નથી. કર્મ તો નિમિત્ત ભિન્ન ચીજ છે. તે કેમ કરીને ઘાત કરે? પૂજામાં આવે છે ને કે-

‘‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહૈ ઘનઘાત લોહકી સંગતિ પાઈ.’’

કર્મ તો બિચારાં જડ-માટી છે. એને તો ખબરેય નથી કે અમે કોણ છીએ. મિથ્યા પરિણમન તો પોતાનો જ દોષ છે. વળી ભક્તિમાં આવે છે કે-

‘‘અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા.’’

પોતે કોણ છે એનું જ્ઞાન પોતાને નથી તેથી સંસારમાં રખડીને હેરાન થઈ રહ્યો છે. દુનિયાનું બધું ડહાપણ ડહોળે, એવું ડહોળે જાણે દેવનો દીકરો; પણ પોતે કોણ છે એનું ભાન ન મળે! અરે ભાઈ! પોતાને ભૂલી ગયો છે એ તારું અજ્ઞાન છે અને તે અજ્ઞાન તારા નિર્મળ પરિણમનને થવા દેતું નથી.

હવે કહે છે-‘અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે.’

જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એટલે આત્માનું અતીન્દ્રિય આનંદનું-શાંતિનું પરિણમન. પંચમહાવ્રતના પરિણામ એ કાંઈ આત્માનું ચારિત્ર નથી. એ તો રાગનું આકુળતારૂપ આચરણ છે. આત્માનું ચારિત્ર તો વીતરાગ-પરિણતિરૂપ છે. આવું વીતરાગી ચારિત્ર કષાયરૂપ કર્મ એટલે વ્રત, તપ, શીલ આદિરૂપ કર્મ વડે તિરોભૂત થાય છે. જે શુભભાવ છે તે આત્માના ચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ ચારિત્રને થવા દેતો નથી.

હવે કહે છે-‘આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.’

જુઓ, આ નિષ્કર્ષ કહ્યો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષના માર્ગનો કર્મ ઘાત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન ત્રિલોકીનાથ શ્રી સર્વજ્ઞદેવે શુભભાવને ધર્મ તરીકે માનવાનો, જાણવાનો અને આચરવાનો નિષેધ કર્યો છે. સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૨૨૧ શેષ * દિનાંક ૪-૧૧-૭૬]