સમયસાર ગાથા ૧પ૭ થી ૧પ૯ ] [ ૧પ૩ વાંચવાનો કે વિચારવાનો વખત કયાં છે? બાપુ! વિષય-કષાયમાં ગુંચાઈ ગયો છે પણ અવસર ચાલ્યો જશે હોં. (પછી અનંતકાળે અવસર મળવો દ્રુર્લભ છે).
‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ભગવાન ઉમાસ્વામીએ પણ કહ્યું છે કે-
‘‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’’ આ મોક્ષમાર્ગ કહ્યો. હવે કહે છે-
‘જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે.’
શુભભાવને પોતાનો માનવો ઇત્યાદિ જે મિથ્યાત્વભાવ છે તે આત્માના સમ્યક્ત્વરૂપ પરિણમનનો ઘાતક છે; એટલે તે સમ્યક્ત્વને પ્રગટ થવા દેતો નથી. અહીં મિથ્યાત્વકર્મ એટલે જીવનો મિથ્યાશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ લેવો. કર્મ તો નિમિત્ત છે, જડ છે. કર્મનો ઉદય તો જીવને અડતોય નથી તો તે જીવના ભાવનો ઘાત શી રીતે કરે? પણ કર્મના નિમિત્તે જે જીવનો મિથ્યાત્વભાવ-વિપરીતભાવ છે તે તેના અવિપરીતભાવ-સ્વભાવભાવનો, સમકિતનો ઘાત કરે છે.
અહીં ભલે કર્મથી વાત લીધી છે; પણ કર્મથી એટલે કર્મના નિમિત્તે થતા જીવના ભાવથી-એમ અર્થ લેવો. અગાઉ ગાથા ૧પ૬ માં આવી ગયું કે વ્રત, તપ આદિ શુભરાગરૂપ ભાવકર્મ છે તે શુભકર્મ છે, અને તે નુકશાન કરનારું હોવાથી નિષેધવામાં આવ્યું છે. અહીં કહે છે કે એનું જે રાગનું અશુદ્ધ ઉપાદાન છે તે એના શુદ્ધ ઉપાદાનની પરિણતિનો ઘાત કરે છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ છે. ત્યાં જ્ઞાનનું એટલે આત્માનું સમ્યક્ત્વરૂપ જે નિર્મળ પરિણમન તે મિથ્યાત્વભાવથી તિરોભૂત થાય છે. મિથ્યાત્વભાવ એ નિર્મળ પરિણમનનો ઘાત કરે છે અર્થાત્ સમકિત પ્રગટ થવા દેતો નથી. જુઓ, આ સત્ય વાત! સંક્ષેપમાં કહેલું પણ આ સત્ય છે. હવે કહે છે-
આત્માનું જ્ઞાનરૂપે જે પરિણમવું-થવું તે અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે. સ્વરૂપનું અજ્ઞાન, શુભભાવમાં અટકવારૂપ અજ્ઞાન આત્માના જ્ઞાનરૂપ પરિણમનને રોકી દે છે. શુભભાવમાં જે જ્ઞાન રોકાઈ ગયું છે તે અજ્ઞાન છે અને એ સમ્યગ્જ્ઞાનના પરિણામનો ઘાત કરે છે.
ભાઈ! આ ધર્મકથા છે. આત્માનું હિત કેમ થાય એની આ વાત છે. શુભભાવરૂપ જે કર્મ છે તે આત્મધર્મને રોકનારા ઊંધા પરિણામ છે. કોઈ માને કે જડ કર્મ ઘાત