સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૭૩ દશાને સ્પર્શ્યો છે. સમ્યક્ત્વને રોકનારું જે પ્રતિબંધક કારણ છે તે આ મિથ્યાશ્રદ્ધાનરૂપ ભાવ છે, અને તે મોક્ષના કારણથી વિપરીતભાવરૂપ છે.
અહીં ગાથામાં મિથ્યાત્વાદિનો ઉદય-એમ જે લીધું એનો અર્થ એમ છે કે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિરૂપ જે શ્રદ્ધાન એનાથી વિપરીત પરિણમન થવું તે મિથ્યાત્વનો ઉદય છે. પુણ્યથી ધર્મ થાય, નિમિત્તથી આત્મામાં લાભ-નુકશાન થાય, પર મને લાભ કરે, હું પરને લાભ કરું ઇત્યાદિ અનેક પ્રકારે જે માન્યતા છે એ સમકિત વિરુદ્ધ છે અને એ વિરુદ્ધભાવરૂપ પરિણમન એ મિથ્યાત્વ છે.
કર્મ છે એ તો અજીવનો ભેખ છે; અને મિથ્યાત્વભાવ છે એ જીવનો ભેખ છે.
તો મિથ્યાત્વાદિને પુદ્ગલસ્વભાવી કહ્યા છે ને?
હા, કહ્યા છે; કેમકે મિથ્યાત્વાદિભાવ પોતે નિમિત્તને આધીન થઈને થાય છે. વળી શુદ્ધ જીવદ્રવ્યમાં તે નથી માટે (દ્રષ્ટિ અપેક્ષાએ) તેમને પુદ્ગલસ્વભાવી કહ્યા છે. બાકી છે તો એ જીવની અશુદ્ધ પરિણતિ. એને પરની-જડની સાથે શું સંબંધ છે? (કાંઈ નહિ). ભારે વાત, ભાઈ! ભાઈ! અશુદ્ધપણાનું જે પરિણમન છે તે જીવનો ભેખ છે, જીવમાં થાય છે. ખરેખર તો મિથ્યાત્વભાવરૂપ અશુદ્ધ પરિણમન પર્યાયમાં પોતાના ષટ્કારકથી થાય છે. તેને પરની કે કર્મની અપેક્ષા તો નથી, એને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. આવી વસ્તુ છે. શુભભાવ કરતાં કરતાં સમકિત થશે એવી વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વભાવ છે એ જીવની પોતાની પરિણતિ છે અને તે સમ્યક્ત્વથી વિરુદ્ધ છે.
કેટલાક કહે છે કે કર્મને લઈને રાગ થાય છે અને કર્મ ટળે તો રાગ ટળે. ભાઈ! એ બધો મિથ્યા ભ્રમ છે. લોકમાં જેમ બધું ભગવાન કરે એમ જૈનમાં બધું કર્મ કરે એવું કર્મનું લાકડું (મિથ્યા ભ્રમ) બહુ ગરી ગયું છે. પણ ભાઈ! કર્મ તો અજીવ પુદ્ગલ છે; એમાં જીવની નાસ્તિ છે અને જીવમાં એની નાસ્તિ છે. જીવ અરૂપી અને કર્મ રૂપી; કર્મ જીવને ત્રણકાળમાં અડયું-સ્પર્શ્યું નથી અને જીવ કર્મને ત્રણકાળમાં અડયો-સ્પર્શ્યો નથી. હવે આમ જ્યાં પરસ્પર નાસ્તિ છે તો કર્મ જીવને કરે શું? કાંઈ ન કરે. ભાઈ! દ્રષ્ટિમાં પોતે જે વિપરીતતા કરે છે તે મિથ્યાત્વ છે અને તે આત્માના સમકિતથી વિરુદ્ધભાવરૂપ છે. જડ કર્મને જે વિરુદ્ધ કહ્યું છે એ તો જડમાં-પરમાં છે, અને એ તો ઉપચાર કથન છે.
ભગવાન આત્મા ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર છે. એના યથાર્થ શ્રદ્ધાનરૂપ જે સમ્યક્ પરિણતિ એનાથી મિથ્યાત્વ પરિણતિ વિરુદ્ધ છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે પોતાના વેરી પોતાનો વિકાર છે એ નિશ્ચય છે. પર વેરી છે એ વસ્તુસ્વરૂપ જ નથી. ‘ણમો અરિહંતાણં’ બોલે છે ને બધા.