સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૭પ પરિણામનું કર્તા જડકર્મ છે જ નહિ. જેમ મિથ્યાત્વના પરિણામનો કર્તા દર્શનમોહ કર્મ નથી તેમ જીવના દ્રવ્ય-ગુણ પણ એનો કર્તા નથી. ખરેખર વિકારી પરિણામનો કર્તા તે પરિણામ પોતે જ છે.
પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં આવે છે કે-વિકારના ષટ્કારકનું પરિણમન પર કારકની (-કર્મની) અપેક્ષા વિના છે. મિથ્યાત્વનું પરિણમન પર નિમિત્તના (-કર્મના) કારકની અપેક્ષા વિનાનું છે. આની મોટી ચર્ચા થઈ હતી સં. ૨૦૧૩ માં (વર્ણીજી સાથે). તેઓ કહે-પ્રતિબંધક કારણ ટળે તો વિકાર ટળે. પણ પ્રતિબંધક કારણ કર્મ છે કે પોતાની વિપરીત માન્યતા છે? અહા! દર્શનમોહના નિમિત્તમાં જે ઉપયોગ ગયો એ પોતાનો ઉપયોગ છે. જે મિથ્યાત્વના પરિણામ થયા એ પોતામાં પોતાના જ કારણે થયા છે. અધિક સ્પષ્ટ કહીએ તો પરિણામ પોતે પરિણામનો કર્તા છે. પરિણામનો કર્તા નિમિત્ત નથી તેમ પોતાના દ્રવ્ય-ગુણ પણ નથી.
અહીં સમ્યક્ત્વના પરિણામ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એને રોકનારું મિથ્યાત્વ છે એમ કહે છે. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. તે પોતે જ કર્મ છે, વિકાર છે; એ કાંઈ આત્મા નથી. પહેલાં ગાથા ૧પ૪ માં આવી ગયું કે વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભભાવ કર્મર્ છે. કર્મ એટલે કાર્ય; વિકારના પરિણામ કાર્ય છે. એ જીવના પરિણામરૂપ કાર્ય છે. પછી એ જીવ છે વા જીવ એનો કર્તા છે એમ વ્યવહારથી કહેવાય છે. હવે આવી વાત; આ વાણિયાઓને કાંઈ ખબર હોય નહિ, આખો દિવસ પાપની મજૂરીમાંથી નવરા પડે નહિ અને કયાંક સાંભળવા જાય તો માથે (પાટે) બેઠેલા કહે એટલે ‘જૈ બાપજી’-એમ માથું ધુણાવે; પણ ભાઈ! આ તો વીતરાગનો માર્ગ છે. (એને યથાર્થ સમજવો જોઈએ).
જે દર્શનમોહનો ઉદય છે તે જડનો ભેખ છે. એમાં ઉપયોગ જોડાઈ જાય છે તે મિથ્યાત્વપરિણામ છે. તે જીવની ઊંધાઈ ભરી દ્રષ્ટિ પોતે પોતાના કારણે છે, કર્મના કારણે છે એમ નહિ. કર્મ તો પરવસ્તુ છે. તે કાંઈ વેરી કે મિત્ર હોઈ શકે નહિ. પોતાની જે વિપરીતદ્રષ્ટિ છે એ જ વેરી છે અને તે પોતે પોતાના કારણે છે. હવે કહે છે-
‘તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે.’
જુઓ, મિથ્યાત્વ પોતે કર્મ જ છે એટલે કે તે આત્માનો સ્વભાવ નથી. તેના ઉદયથી એટલે મિથ્યાત્વના પ્રગટ થવાથી જ જ્ઞાનને એટલે આત્માને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. ઉદય એટલે ઉદયભાવ. મિથ્યાત્વ ઉદયભાવ છે. કર્મનો ઉદય તો કયારે કહેવાય કે ઉપયોગ એમાં જોડાય ત્યારે; એમાં ન જોડાય તો કર્મ તો ખરી જાય છે. એને