૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ માગે ત્યાં મહેસૂબના રસદાર કટકા મળે, જેને ખમ્મા, અન્નદાતા શું જોઈએ એમ પૂછનારા સેવકો સદા તત્પર હોય અને જે મણિરત્નના ઢોલિયામાં મખમલની ગાદીઓમાં હંમેશાં સૂતો હોય એવા ચક્રવર્તીની આ દશા! એવા પરિણામનું એવું જ ફળ હોય છે. તું આડું-અવળું કરવા જઈશ તો તેમ નહિ થાય.
એક પ્રશ્ન કર્યો હતો સાત વર્ષના છોકરાએ (સં. ૧૯૯૪ માં) કે-મહારાજ! ભરત ચક્રવર્તી જેને ૯૬૦૦૦ રાણીઓ હતી અને જે મણિરત્નના ઢોલિયામાં મખમલનાં ત્રણ ત્રણ ગાદલામાં સૂતા તે ધર્મી અને અમે સાદાઈથી રહીએ તોપણ ધર્મી નહિ-એ કેવી વાત?
ત્યારે કહ્યું કે-બાપુ! એને રાણીઓ હતી અને મખમલનાં ગાદલામાં એ સૂતા હતા પણ એ રાણીઓમાં અને ગાદલાંમાં કયાં હતા? જે રાગ થાય એમાં એ નહોતા, એ તો રાગને જાણતા થકા જ્ઞાતાના જ્ઞાનમાં હતા. ધર્મી તો રાગમાં હતા જ નહિ અને રાણીઓમાં અને ગાદલાંમાં પણ કયારેય નહિ. સમજાણું કાંઈ?
જ્યારે અજ્ઞાનની દશાવાળા રતનના ઢોલિયામાં સૂતા હોય ત્યાં એની દ્રષ્ટિમાં ફેર છે. તે વડે અમે સુખી છીએ, અમને આ સુખનાં સાધન છે, અને અમે તે ભોગવીએ છીએ એવી તેની અજ્ઞાનમય મિથ્યા માન્યતા હોય છે. અને સાદાઈથી રહે ત્યાં અમે સાદાઈથી રહીએ છીએ એવી પરદ્રવ્યના લક્ષે થતા પરિણામમાં આત્મબુદ્ધિ હોય તો તે પણ અજ્ઞાનમય મિથ્યા દશા છે. સમજાણું કાંઈ...?
અહા! જે પાપમાં તલ્લીનપણે રોકાયા છે એમની તો અહીં વાત નથી; કેમકે એમને તો ઉપદેશ શું કામ કરે? અહીં તો જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવમાં રોકાયા છે તેને કહે છે-ભગવાન! જો તારે ધર્મ કરવો હોય તો પુણ્યની રુચિ છોડવી પડશે અને ભગવાન આનંદના નાથના પ્રેમમાં તારે આવવું પડશે. જ્યાં પુણ્યભાવનો પ્રેમ દૂર થયો ત્યાં ભગવાન આત્મા જે દૂર હતો તે સમીપ થયો, અને ત્યારે મોક્ષનું કારણ ખરેખર પ્રગટયું. અહીં કહે છે-જેને મોક્ષનું કારણ પ્રગટયું તેને મોક્ષ સુધી પહોંચતાં કોણ રોકી શકે? એને તો જ્ઞાન આપોઆપ દોડતું આવે છે, અર્થાત્ તે પૂર્ણ વીતરાગપદને અવશ્ય પ્રાપ્ત કરશે.
કોઈને થાય કે આવી વ્યાખ્યા અને આવો ધર્મ? પાંચ-દસ લાખનું દેરાસર બનાવીએ ને ધર્મ થાય એમ તો સાંભળ્યું છે.
તેને કહીએ છીએ-ભાઈ! એમાં ધૂળેય ધર્મ નહિ થાય. અંદર ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શાશ્વત સ્વરૂપે રહેલો છે એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા કરે તો જ ધર્મ થાય, અને તો જ મોક્ષ પામે. આ એક જ માર્ગ છે.