સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૧૯પ તો તમે કહો છો તે સત્ય ન હોય-એવો ભાવ; અને આશંકાનો અર્થ તો તમે કહો છો એ સમજાયું નથી એવો ભાવ છે. શંકા અને આશંકા વચ્ચે આવો ફેર છે. અહીં શિષ્ય આશંકા ઉપજાવીને સમજવા માગે છે કે-‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે?’ એમ કે એને રાગ થાય છે, દ્વેષ થાય છે અને વિષય-કષાયના ભાવ પણ થાય છે. આવા શુભાશુભ ભાવ તો એને હોય છે; તો કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન (-આત્મા) મોક્ષનું કારણ કેમ થઈ શકે?
‘વળી કર્મ અને જ્ઞાન બન્ને સાથે કેમ રહી શકે? કર્મ એટલે શુભાશુભ રાગની પરિણતિ અને જ્ઞાનની પરિણતિ બન્ને સાથે કેમ રહી શકે? પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને વિકાર હોય અને ધર્મ (નિર્વિકાર પરિણામ) પણ હોય-એ બન્નેય સાથે કેમ હોઈ શકે? આ આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ-
‘यावत्’ જ્યાં સુધી ‘ज्ञानस्य कर्मविरतिः’ જ્ઞાનની કર્મવિરતિ ‘सा सम्यक् पाकम् न उपैति’ બરાબર પરિપૂર્ણતા પામતી નથી...એટલે શું કહે છે? કે ધર્મીને પણ જ્યાં સુધી પુણ્ય- પાપના ભાવની-રાગના ભાવની નિવૃત્તિ બરાબર પરિપૂર્ણતાને પામતી નથી અર્થાત્ પરિપૂર્ણ વીતરાગતા થતી નથી-‘तावत्’ ત્યાં સુધી ‘कर्मज्ञानसमुच्चयः अपि विहितः न काचित् क्षतिः’ કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી.
અવશપણે (-જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે ‘तत् बन्धाय’ તે તો બંધનું કારણ થાય છે.
ધર્મીને રાગની જરા પણ રુચિ નથી, છતાં તેને શુભાશુભ રાગ થાય છે. જે પુણ્ય- પાપના ભાવ એને થાય છે તે બંધનું કારણ થાય છે એમ કહે છે.
તો જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે ને?
હા, પણ કઈ અપેક્ષાએ? એ તો સમકિતીને જેને ભગવાન પૂર્ણાનંદનો નાથ અનુભવમાં આવ્યો છે તેને દ્રષ્ટિનું જોર છે. તો તે કાળમાં એને જે ભોગનો ભાવ આવ્યો તે, એને ભોગની રુચિ નહિ હોવાથી નિર્જરી જાય છે, ખરી જાય છે એ અપેક્ષાએ જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. (ત્યાં એના એ ભોગનો મહિમા નથી પણ દ્રષ્ટિનો એ મહિમા છે એમ વાત છે.) અહીં એમ વાત છે કે ધર્મીને જે શુભ કે અશુભ પરિણામ થાય છે એ તો બંધનું કારણ છે.