૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
છે તે એક જ થાય છે. અહાહા...! જુઓ, ધર્મીને જેટલું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવનું-આનંદનું પરિણમન છે એટલું મોક્ષનું કારણ છે. જેટલા શુભાશુભ ભાવ છે એ બંધનું કારણ છે અને નિર્મળ રત્નત્રયનું જે પરિણમન છે તે મોક્ષનો હેતુ છે.
ધર્મીને પણ અવશપણે-એટલે રુચિ નથી છતાં નબળાઈને કારણે પુણ્ય-પાપના ભાવ થાય છે. એને પુણ્ય-પાપની હોંશ નથી, પણ જબરદસ્તીથી એટલે અસ્થિરતાને કારણે તેને પુણ્ય-પાપના ભાવ થાય છે તે બંધનું કારણ થાય છે. અને મોક્ષનું કારણ તો જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. ‘एकमेव’નો અર્થ કળશટીકામાં નિષ્કર્મ કર્યો છે. એટલે કે કર્મથી નિરપેક્ષપણે, પુણ્ય-પરિણામની અપેક્ષા વિના જે શુદ્ધ ચૈતન્યસ્વભાવનાં દ્રષ્ટિજ્ઞાન અને રમણતા પ્રગટ થાય તે એક જ મોક્ષનું કારણ છે, અને પુણ્ય-પાપના ભાવ જે થાય છે એ તો બંધનું કારણ છે.
પૂર્ણ બંધરહિત તો પોતે ભગવાન થાય ત્યારે થાય. ભગવાન કેવળી સંપૂર્ણ અબંધ છે, મિથ્યાદ્રષ્ટિને સંપૂર્ણ બંધ છે અને મોક્ષમાર્ગી સમકિતી સાધક જીવને કાંઈક અબંધ અને કાંઈક બંધ છે. સમકિતી ધર્મીને કાંઈક બંધનો અભાવ અને કાંઈક બંધનો સદ્ભાવ બન્ને એક સાથે હોય છે. દ્રવ્યસ્વભાવને સ્પર્શીને સાધકને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પ્રગટ થાય એ જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે, અને જેટલો શુભાશુભભાવે પરિણમે એટલું બંધનું કારણ છે. ‘स्वतः विमुक्तम्’ જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે. તેથી જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે.
જ્યાં સુધી પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી સાધકને રાગરહિત દશા અને કાંઈક રાગસહિત દશા એમ બન્ને એકસાથે હોય છે. એમ બેને સાથે રહેવાનો વિરોધ નથી. મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શનને સાથે રહેવામાં વિરોધ છે. જ્યાં મિથ્યાદર્શન હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય અને સમકિત હોય તો મિથ્યાદર્શન ન હોય. પણ કાંઈક રાગ અને કાંઈક વીતરાગતાને સાથે રહેવામાં વિરોધ નથી. પણ ત્યાં જે આત્મદર્શન-જ્ઞાન અને રમણતારૂપ વીતરાગતા છે તે મોક્ષનું કારણ થાય છે અને જેટલો પુણ્ય-પાપરૂપ રાગ છે તે એકાન્ત બંધનું કારણ છે. જેટલું જ્ઞાન છે તે એકાન્ત મોક્ષનું કારણ છે અને જેટલો રાગ છે તે એકાન્ત બંધનું કારણ છે. આવો માર્ગ છે. ઓલું તો સહેલું સટ કે-‘ઇચ્છામિ ભંતે.........તચ્ચ મિચ્છામિ દ્રુક્કડં’ એમ પાઠ થઈ ગયો અને થઈ ગયાં પ્રતિક્રમણ અને સામાયિક. પણ એમાં તો ધૂળેય સામાયિક નથી, સાંભળને. સામાયિક તો એને કહીએ જેમાં આત્મામાં સમભાવ પ્રગટ થઈને અતીન્દ્રિય આનંદ પ્રગટયો હોય. એ સામાયિક મોક્ષનું કારણ છે અને જેટલો રાગ વર્તે છે એટલું બંધનું કારણ છે.