કે જે જઘન્યપૂર્વક મધ્યમદશામાં વર્તે છે તેને સાધકદશાના કાળમાં પ્રયોજનવાન છે; અર્થાત્ સાધક-અવસ્થામાં શુદ્ધતાના અંશો પૂર્ણ નથી અને કાંઈક અશુદ્ધતા છે એને જાણેલી પ્રયોજનવાન છે. પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા છે એ વ્યવહાર છે, એને જાણવું કે આટલું છે એનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે; આદરેલો પ્રયોજનવાન છે એમ નથી. આદરેલો પ્રયોજનવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય જ છે. ત્રિકાળી શુદ્ધ નિશ્ચયનો આશ્રય લઈને સમ્યગ્દર્શન, જ્ઞાન અને સ્વરૂપની સ્થિરતાના અંશરૂપ સ્વરૂપાચરણ થયું. પરંતુ સંપૂર્ણ નિર્વિકલ્પ વીતરાગદશા પ્રગટ ન થઈ હોય ત્યાંલગી સાધકદશામાં સાધકને મહાવ્રતાદિના વિકલ્પો છે, તે વ્યવહાર છે. તે સાધકઅવસ્થામાં જાણેલો પ્રયોજનવાન છે; આ એનો સાર છે. ‘વ્યવહારનય પણ પ્રયોજનવાન છે’ તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. કથનશૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો પ્રયોજનવાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે.
૧૧મી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. તેની સાથે આ ૧૨મી ગાથામાં વ્યવહાર જોડયો છે. સાધકની પર્યાયમાં શુદ્ધતા સાથે મહાવ્રતના, અણુવ્રતના, ભક્તિ આદિના વિકલ્પો હોય છે, એ નથી એમ નહીં. ‘નથી’ એમ કહ્યું હતું એ તો ગૌણ કરીને કહ્યું હતું. સાધકદશામાં જીવને કાંઈક શુદ્ધતા અને કાંઈક અશુદ્ધતા પર્યાયમાં છે. વ્રત, ભક્તિ આદિનો શુભરાગ છે. પણ એ શુભરાગ નિશ્ચયનું કારણ નથી, તેમ પર્યાયમાં રાગ નથી એમ પણ નહીં તે શુભરાગ આદિ જાણવા યોગ્ય છે એટલું જ; માટે તો કહે છે કે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. જુઓ, જેમ પરદ્રવ્ય જીવમાં નથી, એમ રાગ પર્યાયમાં સર્વથા નથી એમ તો નથી. કથંચિત્ નથી અને કથંચિત્ છે; ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં નથી તે અપેક્ષાએ ‘નથી’ અને એને જ વર્તમાનની અપેક્ષાએ ‘છે’ એમ કહે છે. એ ‘છે’ તે જાણેલો પ્રયોજનવાન છે એમ કહે છે.
‘परमभावदर्शिभिः’ જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા છે તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા) નો ઉપદેશ (આજ્ઞા) કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે.’ જુઓ, શુદ્ધનયનો આશ્રય (શુદ્ધનયના વિષયનો આશ્રય)તો સમકિતીને હોય છે અહીં તો શુદ્ધનય (કેવળજ્ઞાન થતાં) પૂર્ણ થઇ ગયો છે, તેનો આશ્રય કરવાનો હવે રહ્યો નથી એ અપેક્ષાએ અહીં વાત કરી છે. જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા એટલે કે જે સમકિતી થયા તથા પૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત થયા તથા