ચારિત્રની સંપૂર્ણ સ્થિરતાને પામ્યા તેમને તો શુદ્ધનયનો વિષય જે શુદ્ધ આત્મા તેનો આશ્રય કરવાનો રહ્યો નહીં. તેમને તો શુદ્ધનય જાણવા યોગ્ય છે એટલે કે એનું ફળ જે કૃતકૃત્યપણું આવ્યું તેનું કેવળજ્ઞાનમાં જાણપણું થયું. પૂર્ણ નિર્વિકલ્પદશા જેને થઈ ગઈ, તે તેને માત્ર જાણે છે, અધૂરી દશાનો રાગ તેને નથી તેથી વ્યવહાર પણ રહેતો નથી. એમ તો નિર્વિકલ્પ ધ્યાનમાં બે મોક્ષમાર્ગ કહ્યા છે. દ્રવ્યસંગ્રહ ગાથા ૪૭માં આવે છે- “दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णिमया” ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય એ નિશ્ચય મોક્ષમાર્ગ અને અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં બુદ્ધિપૂર્વક રાગ તો નથી પણ જે અબુદ્ધિપૂર્વક રાગ કહ્યો છે. એને આરોપિત કરી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આમ નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજને એકલો નિશ્ચય છે અને વ્યવહાર નથી એમ તો નથી. ત્યાં વ્યવહાર પણ કહ્યો છે અહીં તો ધ્યાનનું ફળ જે સંપૂર્ણ નિર્વિકલ્પતા થઈ છે એવા કેવળજ્ઞાનીને વ્યવહાર રહેતો નથી; કેમકે પૂર્ણ દશામાં કોઈ રાગ રહેતો નથી પણ સંપૂર્ણ વીતરાગતા છે. જે પૂર્ણ દશા થઈ એને માત્ર જાણે છે. ‘વળી જે જીવો અપરમભાવે સ્થિત છે-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.’ સમ્યગ્દર્શન થયું છે, પણ સમ્યગ્જ્ઞાન-ચારિત્ર પૂર્ણ થયાં નથી, સર્વજ્ઞતાની પ્રતીતિ થઈ છે પણ સર્વજ્ઞપદ પ્રગટ થયું નથી એવી સાધકદશામાં જે સ્થિત છે તેઓ व्यवहारदेशिताः એટલે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. શબ્દ તો છે व्यवहारदेशिताः, પણ એનો વાચ્યાર્થ તો એમ છે કે તે કાળે જેટલો કાંઈ વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે. પ્રતિસમય સાધકને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. જે જે સમયની, જેટલી શુદ્ધતા-અશુદ્ધતા છે તેને જેમ છે તેમ તે તે સમયે જાણવી તે પ્રયોજનવાન છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે, ભાઈ! આ કાંઈ કથા-વાર્તા નથી. દિગંબર સંતો તો કેવળીના કેડાયતો છે. કેવળીના પેટ ખોલીને વાત કરી છે. જુઓ, આ મુનિઓ આનંદમાં મસ્ત છે. તે દશામાં વિકલ્પ ઊઠે છે અને શાસ્ત્ર શાસ્ત્રના કારણે લખાઈ જાય છે. ત્યારે કહે છે કે શાસ્ત્ર લખવાનો વિકલ્પ તો છે કે નહીં? પૂર્ણતા તો આ કાળે નથી, તેથી વિકલ્પ છે. અનેક પ્રકારના વિકલ્પના અંશો આવે છે. તે (વિકલ્પો) પાઠમાં તો એમ છે કે व्यवहारदेसिदा એટલે કે ઉપદેશ કરવા યોગ્ય છે. પણ એનો આશય એમ નથી. આ તો કથનશૈલી છે. એનો અર્થ તો પર્યાયમાં શુદ્ધતા સાથે જે કાંઈક અશુદ્ધતા પણ છે તેને જાણવી તે પ્રયોજનવાન છે. શું કહ્યું? જાણવું તે પ્રયોજનવાન છે. જાણીને શું કરવું? અશુદ્ધતા છોડવા યોગ્ય હેય છે એમ જાણી ત્રિકાળી ધ્રુવને ઉપાદેય કરી હેય