Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 168 of 4199

 

ભાગ-૧ ] ૧૬૧

(રાગ) ને છોડવું. વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય છે, તે જે તે કાળે સાધકદશામાં જાણે તો પ્રયોજનવાન છે; ઉપાદેય તો માત્ર શુદ્ધ નિશ્ચય જ છે.

વસ્તુ જે અખંડ એક જ્ઞાયકભાવ છે તે પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. એને કરવાનું કાંઈ છે નહીં. પણ એની દ્રષ્ટિ કરનાર સાધકને જ્યાંસુધી પર્યાયમાં કૃતકૃત્ય પૂર્ણદશા પ્રગટ ન થાય ત્યાંસુધી સ્થિરતા કરવાની છે અને અસ્થિરતા છોડવાની છે. આ એને કરવાનું છે માટે તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે-એમ કહેવા માગે છે. જ્ઞાયકની દ્રષ્ટિપૂર્વક પર્યાયમાં પરિપૂર્ણ કૃતકૃત્ય થઈ ગયેલ પરમાત્માને સ્થિરતા વધારવાનું અને અસ્થિરતા મટાડવાનું એવું કાંઈ રહેતું નથી માટે તેમને વ્યવહાર હોતો નથી.

* ટીકા ઉપરનું પ્રવચન *

લોકમાં સોળ-વલું સોનું પ્રસિદ્ધ છે. સોનું જ્યાંસુધી ચૌદ-વલું કે પંદર-વલું હોય છે ત્યાંસુધી તેમાં ચુરી આદિ મલિનતા અર્થાત્ અશુદ્ધતા હોય છે. તેવા અશુદ્ધ સોનાને અગ્નિની આંચ આપતાં આપતાં ક્રમે ક્રમે શુદ્ધ થઈ સંપૂર્ણ સોળ-વલું શુદ્ધ થઈ જાય છે. જેમને છેલ્લા પાકથી ઊતરેલું સોળ-વલું સોનું પ્રાપ્ત થઈ ગયું છે એમને તો ચૌદ-વલું, પંદર-વલું આદિ અશુદ્ધ દશાઓ જાણવા જેવી રહી નથી; પણ જેમને સોળ-વલા સોનાનું પ્રયોજન છે, પણ હજુ પ્રાપ્ત થયું નથી તેમને સોનાની ચૌદ-વલા અને પંદર- વલાની દશાઓ જાણવી પ્રયોજનભૂત છે. સોળ-વલું સોનું પ્રાપ્ત થઈ ગયા પછી તેનાથી નીચેની દશાઓ જાણવાની રહેતી નથી.

એ પ્રમાણે જે જીવને કેવળજ્ઞાનની પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે એને તો ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરવાનો રહ્યો નથી, કારણ કે તેને શુદ્ધનય પૂર્ણ થઈ ગયો છે. આસ્રવ અધિકારમાં આવે છે કે કેવળજ્ઞાન પ્રગટ થતાં શુદ્ધનય પૂર્ણ થઈ જાય છે. તેથી જેણે પર્યાયમાં ઉત્કૃષ્ટ અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે અર્થાત્ પર્યાયમાં જેણે પૂર્ણદશા પ્રગટ કરી છે તેને તો શુદ્ધનય જ સૌથી ઉપરની એક ભૂમિકા સમાન હોવાથી પૂર્ણ છે; અને તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં જાણેલો પ્રયોજનવાન છે એટલે જે પૂર્ણદશા પ્રગટ થઈ ગઈ તેને બસ જાણે છે. એક બાજુ એમ કહે છે કે કેવળજ્ઞાનની પર્યાય પણ સદ્ભૂત વ્યવહાર છે, અને અહીં એમ કહ્યું કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો? એ તો કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનો આશ્રય લેવાનો બાકી રહ્યો નહીં એ અપેક્ષાએ કથન છે. જ્યાં જે અપેક્ષાથી કથન કર્યું હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ.