૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ગુણસ્થાન ધારણ કરે છતાં ૯૬ હજાર રાણીઓના ભોગમાં હોય. આવી જે રાગની ધારા સમકિતીને હોય છે તે બંધનું કામ કરે છે. અને જોડે જાણનાર જ્ઞાયક જે જાગ્યો છે તે એ રાગનો જાણનાર જ્ઞાતાપણાનું જ કાર્ય કરે છે. એ જાણવા-દેખવાનું જ્ઞાતાપણે જે પર્યાય કામ કરે છે તે સંવર-નિર્જરારૂપ છે. જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલી સંવર-નિર્જરા છે અને વચ્ચે જેટલા અંશે રાગધારા રહે એ વડે કર્મબંધ જ થાય છે, એના વડે જરાય સંવર-નિર્જરા નથી. અહીં તો કહ્યું ને કે-વિષયકષાયના વિકલ્પો, વ્રત-નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે.
આ જ વાત કળશ ટીકાકારે કળશ ૧૧૦ માં આ પ્રમાણે કહી છે-
‘‘અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે. તે બંધનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિનું છે જે યતિપણું શુભક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બન્ને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે.
ત્યાં સમાધાન આમ છે કે-જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દ્રષ્ટિ-મિથ્યાદ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી એવો બંધ છે. શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો? તે જ કાળે શુદ્ધ સ્વરૂપ-અનુભવ-જ્ઞાન પણ છે, તે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે.’’
વળી ત્યાં આગળ કહ્યું છે કે-‘‘એક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે-વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી.’’
આ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવરનિર્જરાનું કારણ છે, એમાં જરાય બંધનું કારણ નથી અને બર્હિમુખપણે પ્રવર્તતી જેટલી શુભાશુભ રાગધારા છે તેટલું બંધનું જ કારણ છે, અંશ પણ સંવર-નિર્જરાનું કારણ નથી. ભાવલિંગી મુનિવરને જે પંચમહાવ્રતના પરિણામ છે એ બંધનું કારણ છે. એક શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. કથંચિત્ જ્ઞાનધારા અને કથંચિત્ રાગધારા મોક્ષનું કારણ છે એવું સ્વરૂપ નથી. લોકોને શુભભાવ કોઠે પડી ગયો છે અને શુભભાવમાંથી નીકળવું ગોઠતું નથી તેથી સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૧