શુભભાવથી લાભ થાય એમ કોઈ કહે તો રાજી-રાજી થઈ જાય છે, પણ ભાઈ! તારી એ માન્યતા મોટું મિથ્યાત્વનું શલ્ય છે.
સમયસાર નાટકમાં પણ મુનિરાજને જે પંચમહાવ્રતના પરિણામ હોય છે તે પ્રમાદના પરિણામ છે અને તે જગપંથ છે, સંસારનો પંથ છે, બંધનો માર્ગ છે એમ કહ્યું છે. એનાથી ભવ મળશે અને આત્માની જે આત્મરૂપ જ્ઞાનધારા છે એનાથી જ મોક્ષ થશે. આવી તો ચોખ્ખી વાત છે. ભગવાન! આવો અવસર મળ્યો એમાં આ વિવાદ-ઝઘડા શાના? બધા વિવાદ મૂકીને નક્કી કર કે-તરવાનો ઉપાય એક સ્વ-આશ્રયથી જ થાય છે અને પરાશ્રયના સઘળા ભાવ બંધનું જ કારણ બને છે.
બંધ અધિકાર, કળશ ૧૭૩ માં પણ કહ્યું છે કે-જિન ભગવાનોએ સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય ત્યાગવા યોગ્ય કહ્યાં છે. તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી? આચાર્યદેવે અહીં આશ્ચર્ય સાથે સર્વ પરાશ્રય છોડીને સંપૂર્ણ અંતઃસ્થિતિને પ્રાપ્ત થવાની પ્રેરણા કરી છે. ગાથા ૨૭૨ માં પણ કહ્યું છે કે-‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.
અહાહા...! આટલું સ્પષ્ટ હોવા છતાં જેના અંતરમાં શુભરાગનો મહિમા વસ્યો છે તેને પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પૂર્ણ વીતરાગતાના, પ્રભુતાના અને ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પોતાનો જે આત્મા તેનો મહિમા કેમ આવે? તેને તો રાગની રુચિની આડમાં આખો પરમાત્મા નજરથી દૂર થઈ ગયો છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ રાગનો મહિમા અને શુદ્ધ ચિદ્રૂપનો મહિમા બે સાથે રહી શકતાં નથી. ભગવાન! જો તને મોક્ષની ઇચ્છા છે તો રાગની રુચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મદ્રવ્યનો મહિમા કરી તેમાં જ અંતર્લીન થા. અહીં કહે છે કે ધર્મી જીવને થતા જે પંચમહાવ્રતાદિના પરિણામ તે પણ એકાંત બંધનું જ કારણ છે અને એક માત્ર શુદ્ધત્વપરિણમનરૂપ જે જ્ઞાનધારા છે તે જ એકાંતે મોક્ષનું કારણ છે.
પ્રશ્નઃ– જેટલો અશુભથી બચ્યો એટલો તો સંવર છે ને?
ઉત્તરઃ– ના; અશુભથી બચી જે શુભમાં આવ્યો તે શુભ પોતે પણ બંધનું જ કારણ છે. એક જ્ઞાન-પરિણતિ જ સંવર-નિર્જરાનું કારણ છે. સમજાણું કાંઈ...?
હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છેઃ-