૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મી તો અંદર સ્વભાવમાં ટકીને રહી શકતા નથી અને એથી એને રાગ આવે છે, પણ તે રાગને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે.
‘તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભકર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે-સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે.’
જુઓ, શું કહે છે? કે મોક્ષમાર્ગી જીવો માત્ર અશુભ કર્મને (-ભાવને) જ નહિ પણ શુભ કર્મને (-ભાવને) પણ છોડી સ્વરૂપ-રમણતા કરે છે. પણ શુભભાવને છોડી સ્વચ્છંદમાં જાય છે-અશુભ કરે છે એમ નથી. અહાહા...! સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યાં સુધી સ્વરૂપનું જ વલણ કર્યા કરે છે, સ્વરૂપમાં જ ઉદ્યમી રહે છે. હવે કહે છે-
‘જ્યાંસુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાંસુધી-જોકે સ્વરૂપસ્થિરતાનું અંર્ત-આલંબન તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ અંર્ત-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે.’
જુઓ, પુરુષાર્થની કચાશને લીધે ઉપયોગ સંપૂર્ણપણે ટકીને રહેતો નથી તો તેઓ શુભ પરિણામોમાં-વ્રત, તપ, ભક્તિ, સ્વરૂપના વિચાર, ઇત્યાદિમાં હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આ શુભ પરિણામો બાહ્ય આલંબન છે એટલે કે નિમિત્તરૂપે છે. એનાથી શુદ્ધ પ્રગટશે એમ નહિ, પણ ઉપયોગ શુદ્ધમાં ટકયો નથી ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, સ્વરૂપના વિચાર, વ્રત, તપ આદિ શુભભાવમાં તેઓ હેયબુદ્ધિએ પ્રવર્તતા હોય છે. હવે કહે છે-
‘પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી.’
શુભ અને અશુભ બન્નેને તેઓ બંધનું કારણ જાણે છે તેથી તેમાં એમને સુખબુદ્ધિ નહિ હોવાથી શુભને છોડીને શુદ્ધોપયોગપણે પરિણમે છે પણ શુભને છોડીને સ્વચ્છંદી થઈ અશુભમાં પ્રવર્તવાની તેમને કદીય ભાવના થતી નથી. જ્ઞાનીને શુભાશુભ ભાવ બન્ને યથાસંભવ આવે છે, પણ અહીં તેને સ્વછંદ પરિણમન હોવાનો નિષેધ કર્યો છે.
કેટલાક જ્ઞાનની વાતો કરે અને વ્યભિચાર અને લંપટપણું સેવતા હોય અને કહે કે અમારે શું? એ તો ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે; શરીર અને ઇન્દ્રિયો તો જડ છે, જડ જડનું કામ કરે એમાં અમારે શું? ભાઈ! એ તો સંસારમાં ઉંડે ડૂબવાના, કેમકે એ તો નિરર્ગલ સ્વચ્છંદ કષાય પ્રવૃત્તિ છે. અહીં કહે છે-આવા એકાંત અભિપ્રાયથી રહિત જ્ઞાની જીવો હોય છે.