સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૭
હવે કહે છે-‘આવા જીવો-જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ-કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે.’
અહાહા...! જેમને આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ દ્રષ્ટિમાં આવ્યો અને તેના આશ્રયે જેની પરિણતિ નિર્મળ શુદ્ધ થઈ તે એકાંત અભિપ્રાયથી રહિત છે. ઉપયોગ અંદર સ્થિર થઈને ટકતો નથી તો તેઓ શુભાશુભ ભાવમાં જોડાય છે પણ તેમને તેનો અભિપ્રાય નથી. એકલા બહારના જાણપણાથી જ મુક્તિ થાય વા શુભભાવથી જ મુક્તિ થાય એવો એમને એકાંત અભિપ્રાય નથી. આહાહા...! આવા જીવો શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ઉગ્ર આલંબન લઈને શુદ્ધ પરિણતિ દ્વારા કર્મનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય છે.
આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવના આલંબનથી જેટલી શુદ્ધતા પ્રગટ કરે છે તેટલો (પર્યાયમાં) શુદ્ધ થાય છે, પરંતુ પરિપૂર્ણ શુદ્ધ પરિણતિ ન થાય ત્યાં સુધી તેને પુણ્ય-પાપના ભાવ આવી જાય છે પણ તેમાં એને હેયબુદ્ધિ છે. હેયબુદ્ધિ એટલે શું? કે એવા ભાવ એને અવશે આવી પડે છે પણ એનો એને આદર નથી, એમાં એને ઉપાદેયબુદ્ધિ, સુખબુદ્ધિ કે આત્મબુદ્ધિ નથી. શુભનો વ્યવહાર આવે ખરો અને કદાચિત્ અશુભ ભાવ પણ આવે ખરો પણ એમાં એને રુચિનો ભાવ નથી, એનું એને પોસાણ નથી. આવી વાતો છે બધી અંદરની.
આ સમજ્યા વિના જીવ ચોરાસીના અવતાર કરી-કરીને રખડી મર્યો છે. વર્તમાનમાં અહીં મોટો કરોડપતિ શેઠીઓ હોય અને મરીને કુતરીને પેટે ગલુડિયું થાય; કેમકે સ્વરૂપની દ્રષ્ટિનું ભાન નથી અને અશુભને છોડતો નથી, નિરંતર માયા, કપટ, કુટિલતાના ભાવના સેવનમાં રચ્યોપચ્યો રહે છે એટલે એનું ફળ એવું જ આવે. એનું ફળ બીજું શું હોય? અહીં કહે છે-એકાંત અભિપ્રાયથી રહિત થઈ જે શુદ્ધાત્માનું સેવન કરે છે તે જ કર્મનો નાશ કરી સંસારથી નિવૃત્ત થઈ જાય છે.
હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છેઃ-
આ પુણ્ય-પાપ અધિકારની છેલ્લી ત્રણ ગાથાઓ પછીના કળશોમાંથી છેલ્લો કળશ છે. શું કહે છે એમાં? કે-‘पीतमोहं’ જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી ‘भ्रम–रस–भरात् भेदोन्मादं नाटयत्’ જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે.........
અહાહા...! શું કહ્યું? શુભભાવ-વ્યવહારરત્નત્રયાદિના ભાવ ઠીક-ભલા છે અને અશુભભાવ અઠીક-બૂરા છે-એમ બેમાં જે ઉન્માદપણે ભેદ પાડે છે તેઓ, જેમ દારૂ પીને કોઈ પાગલ થઈ જાય તેમ મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસને પીને પાગલ થઈ ગયા છે એમ કહે છે. મોહરૂપી દારૂના અમલથી ઉત્પન્ન ભ્રમણાના રસની અતિશયતાથી,