સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૯ કર્મને એટલે પુણ્ય-પાપના ભાવને પોતાના બળથી મૂળથી ઉખેડી નાખે છે. ‘પોતાના બળથી’- ભાષા જુઓ! પોતાના બળથી એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયના બળ વડે પુણ્ય-પાપ બેયનો જે મૂળથી નાશ કરે છે તે ધર્મી છે. પોતાના બળથી એટલે કર્મ મંદ પડે અને (ધર્મ) પ્રગટ થાય એમ નહિ પણ સ્વભાવના આશ્રયના પુરુષાર્થ વડે પુણ્ય-પાપનો નાશ કરે છે-એમ વાત છે.
ત્યારે કોઈ કહે છે-જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય; એમાં કોઈ ફેરફાર ન કરી શકે. હવે આમ છે તો બીજો પુરુષાર્થ કરવાનો કયાં રહે છે?
બાપુ! જે સમયે જે થવાનું હોય તે સમયે તે જ થાય એવો જેને અંતરમાં નિર્ણય થયો છે એની દ્રષ્ટિ તો ત્રિકાળી જ્ઞાયકની સન્મુખ છે અને એ જ્ઞાયકસન્મુખની દ્રષ્ટિ છે એ જ પુરુષાર્થ છે. અહાહા...! હું એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી છું એવી દ્રષ્ટિના પુરુષાર્થમાં જે સમયે જે થાય તેનું માત્ર તે જ્ઞાન કરે છે. (જે થાય તેને હું કરું કે પલટી દઉં એવો એને અભિપ્રાય રહેતો નથી). ગજબ વાત છે, ભાઈ! શું થાય? માર્ગમાં ફેરફાર થઈ ગયો!
પરાશ્રયરૂપ સમસ્ત કર્મને સ્વઆશ્રયના બળથી મૂળથી ઉખેડી નાખે છે. જેમ વૃક્ષ ઊભું હોય તેનાં પાંદડાં તોડવામાં આવે તોય તે થોડા વખતમાં નવાં આવે. પણ જો વૃક્ષને મૂળથી ઉખેડી નાખે તો નવાં પાંદડાં ન આવે, હોય તે નાશ પામી જાય. તેમ અહીં કહે છે-પુણ્ય- પાપરૂપ સમસ્ત કર્મને સ્વરૂપના આશ્રયે મૂળમાંથી ઉખેડી નાખે છે એટલે કે અભિપ્રાયમાંથી તેનો નાશ કરે છે, જેથી નવાં ન આવે પણ અલ્પકાળમાં નાશ પામી જાય.
હવે સત્યની (-આત્માની) શ્રદ્ધાનાં ઠેકાણાં ન હોય અને બહારથી વ્રત ને તપ ને નિયમ ધારણ કરે પણ ભાઈ! એ તો બધાં બાળવ્રત, બાળતપ અને બાળનિયમ છે. હવે આથી માણસને દુઃખ લાગે તો કહીએ છીએ-દુઃખ લાગે તો ક્ષમા કરજે, ભાઈ! તારો આત્મા પણ સ્વરૂપથી ભગવાન છે, અમારો સાધર્મી છે. બાકી પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાનનો દોષ છે તેનો પક્ષ કેમ કરીને કરીએ? વસ્તુસ્થિતિ જ જે છે તે છે; એમાં શું થાય? એના (વસ્તુસ્થિતિના) વિરોધનું ફળ બહુ આકરું છે બાપુ! સત્યથી વિરુદ્ધ શ્રદ્ધાનું એટલે મિથ્યાત્વનું પરંપરા ફળ નરક અને નિગોદ છે. અમને એવા પ્રાણી પ્રત્યે વેર ન હોય, વિરોધ ન હોય. અમને તો ‘सत्वेषु मैत्री’ બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. કેમકે બધા અંદર ભગવાન છે. વસ્તુ તરીકે વસ્તુ તો અંદર પરમાત્મસ્વરૂપે જ છે, એની પર્યાયમાં ભૂલ છે એ તો સ્વરૂપના આશ્રયે નીકળી જવા યોગ્ય છે.