૨૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવરૂપ સમસ્ત કર્મને મૂળથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. અહાહા...! જેને ચૈતન્યસૂર્યનો પ્રકાશ પ્રગટ થયો તેણે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કર્યો. પુણ્ય-પાપના ભાવ છે તે અજ્ઞાનરૂપ અંધકાર છે. હવે એમાં શુભની-પુણ્યની શું હોંશ કરીએ? ભાઈ! આવી જ વસ્તુસ્થિતિ જગતમાં છે એનો જ્ઞાનમાં સ્વીકાર કર.
ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયકસ્વભાવી દેવ છે. તેનો આશ્રય લઈને જેણે પુણ્ય-પાપના ભાવનો મૂળમાંથી નાશ કર્યો એને નિર્મળ જ્ઞાનજ્યોતિ અતિશયપણે પ્રગટ થઈ. જે પુણ્ય-પાપનો સંતાપરૂપ, કલેશરૂપ, દુઃખરૂપ સ્વાદ હતો તેને છેદીને ભગવાન આત્માના આશ્રયે તેને ચૈતન્યના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો, અંતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ ચૈતન્યની પરિણતિ પ્રગટ થઈ. અહાહા...! વસ્તુ તો અખંડ ચૈતન્યજ્યોતિરૂપ હતી જ; તેનો આશ્રય લેવાથી શુભાશુભ કર્મને છેદીને વર્તમાન પર્યાયમાં જ્ઞાનજ્યોતિ નિર્મળ પ્રગટ થઈ અર્થાત્ શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થયો. આત્માના સ્વભાવમાં જ્યાં શુદ્ધ ઉપયોગનું અતિશય સામર્થ્ય પ્રગટ કર્યું, જ્યાં વીર્યનું સ્ફૂરણ અંતરમાં કર્યું, ત્યાં હીન પુણ્ય-પાપના ભાવ મૂળથી છેદાઈ ગયા, વ્યવહારરત્નત્રયનો રાગ પણ છેદાઈ ગયો અને શુદ્ધરત્નત્રયરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થઈ.
સ્વભાવની સન્મુખ થતાં અને વિભાવથી વિમુખ થતાં, વ્યવહારરત્નત્રયના રાગથી પણ વિમુખ થઈને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? ‘कवलिततमः’ જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે.
જુઓ, પુણ્ય-પાપરૂપ ભાવ છે તે અજ્ઞાન છે, કેમકે તેમાં જ્ઞાનજ્યોતિ નથી. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ, પણ પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાનના-ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી તેથી તે અજ્ઞાન છે. જ્ઞાનજ્યોતિ અજ્ઞાનરૂપી અંધકારનો કોળિયો કરી ગઈ. ભાષા તો જુઓ! શુભભાવ મોક્ષમાર્ગીને આવે છે તેથી શુભથી ધર્મ થશે અને અશુભથી નહિ થાય- એવા અજ્ઞાનરૂપી અંધકારનો તેણે (જ્ઞાનજ્યોતિએ) નાશ કરી નાખ્યો.
વળી કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-‘हेला–उन्मिलत्’ જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઉઘડતી-વિકસતી જાય છે. લીલામાત્રથી એટલે અંદર રમત કરતાં કરતાં, આત્માની અંદર આનંદની મોજ કરતાં કરતાં જ્ઞાનજ્યોતિ વિકસતી જાય છે. શુભાશુભભાવ જે દુઃખરૂપ હતા તેને ઉખેડી નાખ્યા એટલે જ્ઞાનજ્યોતિ સહજપણે ક્ષણે-ક્ષણે નિર્મળ વિકસતી જાય છે, પ્રગટ થતી જાય છે. આવો ધર્મ બાપુ! માણસને પરંપરાથી જે (ખોટું) મનાણું હોય એમાં ફેર પડે એટલે આકરું લાગે, પણ ભાઈ! માર્ગ તો આ જ છે.