સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૧૧
અનંતા તીર્થંકરો અને અનંતા સંતોએ પ્રવાહરૂપે આ જ માર્ગ કહ્યો છે. આગળની ગાથાઓમાં વાત આવી ગઈ કે-
-શુભાશુભ ભાવની જે રુચિ એવો જે મિથ્યાત્વભાવ તે સમકિતનો ઘાતક છે -શુભભાવ સ્વયં બંધસ્વરૂપ જ છે, અને -શુભભાવ એ સમ્યગ્દર્શનાદિ મોક્ષના કારણરૂપ ભાવોથી વિપરીત ભાવસ્વરૂપ છે.
જુઓ, સમ્યગ્દર્શનાદિ અબંધ સ્વરૂપ છે, અને શુભભાવ બંધસ્વરૂપ છે અને શુભભાવની રુચિ સમ્યક્ત્વાદિની ઘાતક છે. હવે જે ઘાતક છે તે આત્માને સમ્યગ્દર્શનાદિમાં મદદ કેમ કરે? (ન કરે). ભાઈ! જ્યાં ભેદ સાધક અને અભેદ સાધ્ય-એમ કહ્યું છે ત્યાં તો ઉપચારથી આરોપ આપીને કહ્યું છે. જો એમ ન હોય તો જિનવાણીમાં વિરોધ આવે; કેમકે એકકોર ઘાતક કહે અને વળી બીજી કોર સાધક છે એમ કહે એ તો વિરોધ થયો. એ વિરોધ ટાળવાનો ઉપાય શું? જે સાધક કહ્યું એ તો વ્યવહારનયથી આરોપથી કહ્યું છે. પ્રજ્ઞાછીણી વડે રાગથી ભિન્ન પડીને જે અંતરઅનુભવ કર્યો તે વાસ્તવિક (મોક્ષનો) સાધક છે. તે કાળમાં જે વ્યવહારનું વર્તન છે તેને ઉપચારમાત્રથી આરોપ આપીને સાધક કહેવામાં આવે છે. આમ વાત છે. વસ્તુસ્થિતિ જ આવી છે એમાં કોઈનો કાંઈ (વિપરીત) પક્ષ ચાલી શકે નહિ.
‘લીલામાત્રથી’ એમ કહ્યું ને? એટલે કે ચૈતન્યસ્વભાવને જ્યાં દ્રષ્ટિમાં પકડયો અને તેના અનુભવમાં સ્થિરતા અને રમણતા જામી ત્યાં સહજ આનંદની દશા વિકસતી જાય છે. વળી ‘લીલામાત્રથી’ એમ કેમ કહ્યું? તો કહે છે કે-ચારિત્ર બહુ કષ્ટદાયક છે એમ કેટલાક લોકો માને છે તેનો આ શબ્દ વડે પરિહાર કર્યો છે, અર્થાત્ તેમની એ માન્યતા ખોટી છે એમ આ શબ્દ દ્વારા સ્પષ્ટ કર્યું છે. અહાહા...! ધર્મી જીવ લીલામાત્રથી એટલે સહજપણે આનંદની લહેર કરતો કરતો ચારિત્રને સાધે છે એમ કહેવું છે.
વળી તે જ્ઞાનજ્યોતિ કેવી છે? તો કહે છે-‘परमकलया सार्धम् आरब्धकेलि’ જેણે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ છદ્મસ્થ છે ત્યાંસુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે).
અહાહા...! સાધકભાવ જે છે તે કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરે છે એટલે શું? એટલે કે તેને સાધકભાવ મટીને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે. જેમ બીજ ઉગી છે તો ૧૩ દિવસે પૂનમ થયે જ છુટકો, તેમ જેને જ્ઞાનકલા જાગી એની જ્ઞાનકળાએ મતિ-શ્રુતની કળાને કેવળજ્ઞાનની કળા સાથે જોડી દીધી છે. ષટ્ખંડાગમમાં કહ્યું છે કે-મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. એટલે કે અલ્પકાળમાં એ (મટીને) કેવળજ્ઞાન થશે. હવે આવી વાત બીજે કયાં છે ભાઈ?