૨૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અરે! શુભભાવમાં તું સંતોષ માનીશ પણ એ વડે ચૈતન્યરત્ન હાથ નહિ આવે. મિથ્યાત્વના ભાવમાં તો ભવિષ્યના અનંત નરક-નિગોદના ભાવ પડયા છે. એ ભવનું નિવારણ કરવાનો આ એક જ ઉપાય છે કે-ચૈતન્યસ્વભાવની સન્મુખતા કરવી, સ્વભાવનો અનુભવ કરવો અને સ્વભાવની આનંદદશાનું વેદન કરવું. જેણે સ્વરૂપનું જ્ઞાન, સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ કર્યું છે તેણે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે, અર્થાત્ ભવનો અભાવ કરવાની રમત માંડી છે. આ હું (સાધક પર્યાય, અલ્પજ્ઞાન) તે એનો (કેવળજ્ઞાન સ્વભાવનો) અંશ છું, એ અંશીને (કેવળજ્ઞાનસ્વભાવની પૂર્ણતાને) હું પ્રગટ કરું. આશય એમ છે કે શુભભાવ કે વ્યવહારરત્નત્રયનો ભાવ એ કાંઈ સ્વભાવનો અંશ નથી; એ તો વિભાવભાવ છે. એનાથી રહિત જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટયાં એ સ્વભાવનો અંશ છે અને કેવળજ્ઞાન સ્વભાવની પૂર્ણતા છે. આ સ્વભાવનો અંશ પૂર્ણતાની સાથે રમત માંડે છે. અહાહા...! એને ધ્યેયમાં દ્રવ્ય છે અને સાધ્ય કેવળજ્ઞાન (પરિપૂર્ણતા) છે.
આ જ્ઞાનજ્યોતિ શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. એટલે કે ધ્રુવને ધ્યેય બનાવીને એણે પૂર્ણ પર્યાયને સાધ્ય બનાવી છે. શુદ્ધનયના બળથી એટલે શુદ્ધનયનો વિષય જે શુદ્ધ આત્મા તેને ધ્યેય બનાવીને શુદ્ધનયની પૂર્ણતા જે કેવળજ્ઞાન તેનો ઉદ્યમ માંડયો છે. જોકે શુદ્ધનયનો વિષય તો પરિપૂર્ણ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છે, પણ જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી એટલે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે એમ કહેવાય છે. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી શુદ્ધનયનો એટલે તેના વિષયભૂત દ્રવ્યનો આશ્રય હોય છે અને પૂર્ણતા થતાં તેનો (દ્રવ્યનો) આશ્રય કરવાનો રહેતો નથી એટલે ત્યાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો એમ કહે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનની પર્યાય થતાં શુદ્ધનયની પૂર્ણતા થઈ એમ કહેવામાં આવે છે. (જ્યાં સુધી જ્ઞાનની પર્યાયનો ઉપયોગ શુદ્ધનયના વિષયભૂત ધ્રુવ આત્મદ્રવ્યમાં પરિપૂર્ણપણે જામતો નથી ત્યાં સુધી શુદ્ધનયની અપૂર્ણતા અર્થાત્ અલ્પજ્ઞાન છે અને જ્યારે જ્ઞાનનો ઉપયોગ શુદ્ધનયના વિષયભૂત આત્મદ્રવ્યમાં પરિપૂર્ણ જામી ગયો, પછી ઉપયોગ પલટતો નથી-જ્ઞેયથી જ્ઞેયાંતરપણે થતો નથી, એક ધ્રુવમાં જ જામેલો રહે છે ત્યારે તેને શુદ્ધનયની પૂર્ણતા અર્થાત્ કેવળજ્ઞાન કહેવાય છે).
૧૧ મી ગાથામાં ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ અખંડ એક ચૈતન્યભાવી સત્યાર્થ-ભૂતાર્થ વસ્તુને શુદ્ધનય કહ્યો. ત્યાં શુદ્ધનયના વિષય સાથે અભેદ કરીને એને શુદ્ધનય કહ્યો. અહીં કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનો આશ્રય પૂરો થયો, પછી એનો આશ્રય કરવાનો રહ્યો નહિ એ અપેક્ષાએ શુદ્ધનયની પૂર્ણતાને કેવળજ્ઞાન કહ્યું. આસ્રવ અધિકારમાં આ વાત આવે છે. અરે ભાઈ! હોંશથી તું હા તો પાડ; એનો વિરોધ ન કર, ભાઈ! કેમકે એનો વિરોધ થતાં તારો પોતાનો જ વિરોધ થાય છે. જ્યાં પુણ્યભાવનું બળપણું થાય છે ત્યાં પોતાનું બળપણું ઢંકાઈ જાય છે. અહા! શુભભાવની હોંશ કરતાં એની