૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
બહુ ઝીણી વાત. આ વાણિયાને આવું વિચારવાનો વખત કયાંથી મળે? આખો દિવસ વેપાર-ધંધામાં પૈસા કમાવાની મજુરીમાં પડયા રહે તેમને કયાંથી નવરાશ મળે? પણ અરે! એ શું છે બાપુ? આ પૈસાના ઢગલા તો પૈસામાં છે; એ કયાં તારામાં ગરી ગયા છે? એને દેખીને આ મારા છે એવી મમતા તારામાં તો છે. એ મમતા છે તે એકલું દુઃખ છે, અને એનું ફળ પણ બહુ આકરું છે. અહીં કહે છે-એ દુઃખ પોતે ઉત્પન્ન કર્યું છે, પૈસાને લઈને કે કર્મને લઈને થયું છે એમ નથી.
કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ-દ્વેષ-મોહ છે કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. જીવને જે રાગ-દ્વેષ-મોહના પરિણામ થયા તે પરને કારણે થયા છે એમ નહિ પણ તે પોતાને કારણે કરેલા અજ્ઞાનમય આત્મપરિણામ છે. અહા! મિથ્યાત્વ અને શુભાશુભભાવ, પુણ્ય-પાપના ભાવ-એ બધા અજ્ઞાનમય આત્મપરિણામ છે. પરદ્રવ્યને એમાં શું સંબંધ છે? પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે; અને આત્મા પોતે પોતાના વિકાર કે અવિકારમાં રમે તેમાં પરની સાથે કાંઈ સંબંધ નથી. પ્રવચનસાર (ગાથા ૬૭) માં તો એમ કહ્યું છે કે-પાંચ ઇન્દ્રિયના વિષયો આત્માને રાગ-દ્વેષ કરાવવાને અસમર્થ-અકિંચિત્કર છે. જેમ કર્મ રાગ-દ્વેષ કરાવવાને અસમર્થ છે તેમ નોકર્મ પણ રાગ-દ્વેષ કરાવવા અકિંચિત્કર છે.
કર્મનો ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે, કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવે વિકાર કરવો જ પડે એ વાત યથાર્થ નથી. ગોમ્મટસાર આદિ શાસ્ત્રમાં જે અનેક વ્યવહારથી કરેલાં કથનો આવે-જેમકે કર્મનું જોર છે માટે નિગોદના જીવો નિગોદ છોડતા નથી ઇત્યાદિ-એ બધાં નિમિત્તનું જ્ઞાન કરાવનારાં નિમિત્તની મુખ્યતા કરીને કરવામાં આવેલાં કથનો છે. નિમિત્ત શું હોય છે એવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. ભાઈ! વીતરાગ માર્ગમાં પૂર્વાપર વિરોધવાળી વાત હોય નહીં. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી છે. તેમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ.
પહેલાં એટલું કહ્યું હતું કે-આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે એટલે કે આશ્રયે થતા હોવાથી તેઓ જડ નહિ પણ ચિદાભાસ છે. વળી તેને જ પછી અજ્ઞાનમય આત્મપરિણામ કહ્યા. રાગ, દ્વેષ અને મોહના પરિણામ અજ્ઞાનમય આત્મપરિણામ છે એમ કહ્યું. હવે કહે છે-તેઓ ‘મિથ્યાત્વાદિ પુદ્ગલ પરિણામોને આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ- મોહ જ આસ્રવો છે.’ જોયું? પહેલાં જૂનાં કર્મને ખરેખર આસ્રવ કહ્યા હતા અને હવે અહીં ચેતનના રાગ-દ્વેષ-મોહ-તે ‘જ’ ખરેખર આસ્રવ છે એમ લીધું; ‘જ’ નાખ્યો. છે, પાઠમાં (ટીકામાં) ‘एव’ શબ્દ પડયો છે.
ભાઈ! પોતાનો અભિપ્રાય છોડીને આચાર્ય ભગવાનનો અભિપ્રાય શું છે, તેઓ શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાંતિથી, ધીરજથી, જિજ્ઞાસુ થઈને સ્વાધ્યાય કરે નહિ તો વાત યથાર્થ કેમ સમજમાં આવે? (ન આવે).