अथ ज्ञानिनस्तदभावं दर्शयति–
संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो।। १६६ ।।
सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन्।। १६६ ।।
હવે જ્ઞાનીને આસ્ત્રવોનો (ભાવાસ્ત્રવોનો) અભાવ છે એમ બતાવે છેઃ-
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
ગાથાર્થઃ– [सम्यग्द्रष्टेः तु] સમ્યગ્દ્રષ્ટિને [आस्रवबन्धः] આસ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ [नास्ति] નથી, [आस्रवनिरोधः] (કારણ કે) આસ્રવનો (ભાવાસ્રવનો) નિરોધ છે; [तानि] નવાં કર્મોને [अबध्नन्] નહિ બાંધતો [सः] તે, [सन्ति] સત્તામાં રહેલાં [पूर्वनिबद्धानि] પૂર્વે બંધાયેલાં કર્મોને [जानाति] જાણે જ છે.
ટીકાઃ– ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્ત્રવભૂત (આસ્ત્રવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્ત્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસ્ત્રવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.)
ભાવાર્થઃ– જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્ત્રવો હોતા નથી અને આસ્ત્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વ બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.