સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૩પ નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.’ અહાહા...! આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી-પરિણામથી જણાય એવો ભગવાન આત્મા છે. દયા, દાન, વ્રત આદિના વિકલ્પથી આત્મા જણાય એવી ચીજ નથી. મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળ પર્યાયમાં આત્મા પ્રત્યક્ષ જણાય છે, તેને પરની અપેક્ષા નથી. પ્રત્યક્ષ કહ્યું એટલે પ્રદેશે પ્રત્યક્ષ એમ વાત નથી, પણ અનુભવ-પ્રત્યક્ષ-વેદન-પ્રત્યક્ષની વાત છે.
આત્મા રાગનું વેદન અનાદિથી કરી રહ્યો છે. અહા! મોટો નગ્ન દિગંબર સાધુ થઈને એણે પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ પાળ્યા અને એના ફળમાં નવમી ગ્રૈવેયક ગયો; પણ એ તો બધું રાગનું વેદન હતું. એ રાગના વેદનથી હઠીને અંદર પરિપૂર્ણ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે છે. એનો જે અનુભવ કરે અને અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદે તે જ્ઞાની અને ધર્મી છે.
બાહ્ય ક્રિયાકાંડના પક્ષવાળાઓને આ આકરું પડે છે. પરંતુ ભાઈ! ચરણાનુયોગમાં કહેલાં બાહ્ય વ્રત, તપ આદિની ક્રિયારૂપ આચરણ કરવાથી સાધક થાય છે એમ નથી. ચરણાનુયોગમાં તો જ્ઞાનીને-સાધકને ભૂમિકા પ્રમાણે બાહ્ય વ્રતાદિ કેવાં હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. જ્ઞાની તેને (બાહ્ય વ્રતાદિને) આચરે, કરે-એમ વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી બાહ્ય આચરણ તે ચારિત્ર જ નથી. આવો માર્ગ છે, ભાઈ! જેમ ખોરાક પચે નહિ તેને અજીર્ણ થાય તે માર્ગ યથાર્થ સમજે નહિ તેને મુશ્કેલ પડે એવું છે. (મતલબ કે તે માર્ગને પામી શકતો નથી).
પ્રશ્નઃ– તો આપ પાચન થાય તેવી ગોળી આપો તો?
ઉત્તરઃ– દ્રષ્ટિની પર્યાય ભગવાન પૂર્ણાનંદના નાથને સ્વીકારે તે પાચન છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જેમ અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહકનો -એમ ત્રણ ગુણ છે તેમ આત્મામાં પાચક, પ્રકાશક અને દાહકના ત્રણ ગુણ છે. આત્મામાં સમ્યગ્દર્શનની પાચકશક્તિ છે. અહાહા...! આત્માનું નિર્મળ શ્રદ્ધાન જે સમ્યગ્દર્શન તેમાં ભગવાન પૂર્ણાનંદનું પાચન થાય છે. ભલે વર્તમાન અલ્પજ્ઞ દશા હોય પણ સમ્યગ્દર્શન ભગવાન પૂર્ણાનંદના નાથને જેવો છે તેવો પરિપૂર્ણ પ્રતીતિમાં લઈ લે છે, તે આત્માને પૂર્ણપણે પચાવી દે છે. અહાહા...! અનંતગુણના પાસાથી સદાય શોભાયમાન અંદર ચૈતન્ય હીરો પ્રકાશી રહ્યો છે. તેને પ્રતિસમય અનંતગુણની પર્યાયો પ્રગટે છે. તેમાં સમ્યગ્દર્શનની પર્યાયની ભગવાન પૂર્ણાનંદના નાથને પચાવવાની શક્તિ છે, સમ્યગ્જ્ઞાનની પ્રકાશકની શક્તિ છે અને સમ્યક્ચારિત્ર અથવા સ્વરૂપસ્થિરતાની રાગાદિને બાળવાની દાહકશક્તિ છે. આવી પાચક, પ્રકાશક અને દાહક શક્તિ જેને પ્રગટ થઈ છે તે જ્ઞાની છે.