૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
પરમાત્મપ્રકાશમાં આવે છે કે વ્રતના વિકલ્પથી છૂટીને ભગવાન આનંદના નાથમાં સ્થિર થઈ જવું, જામી જવું, લીન થઈ જવું તેને વ્રત નામ ચારિત્ર કહે છે. પંચમહાવ્રતના વિકલ્પને તો ઉપચારથી ચારિત્ર કહે છે.
અહા! પર તરફના વિકલ્પોની લાગણીઓને પ્રભુ! તે અનંતકાળ સેવી છે. જન્મ-મરણ રહિત થવું હોય તો આ એક જ પંથ છે કે અંતરસન્મુખ થઈ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું. આવી સમકિતની દશા-જેમાં અનાકુળ આનદનો સ્વાદ વેદાયો-તે જેને પ્રગટ થઈ તે જ્ઞાની છે. અંદર ‘જ્ઞાની’ શબ્દ પડયો છે ને? જ્ઞાની કોને કહેવાય એની આ વ્યાખ્યા છે.
ઘણાં શાસ્ત્ર ભણ્યો હોય અને વ્યાખ્યાન કરી શાસ્ત્ર સમજાવતો હોય માટે તે જ્ઞાની એમ નહિ. સમજાવવાની ભાષા છે એ તો જડ પુદ્ગલની છે, અને સમજાવવા પ્રત્યે વલણ છે એ રાગ છે. ભણવું અને ભણાવવું -એમ જે વલણ છે એ તો બધા વિકલ્પ રાગ છે. એમાં કયાં ભગવાન આત્મા છે? આ તો સ્વરૂપસંવેદન સહિત રાગથી ભિન્ન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન જેને પ્રગટ થયાં છે તે જ્ઞાની છે એમ વાત છે. સમજાણું કાંઈ...!
ભાઈ! રાગના પક્ષમાં રહીને ૮૪ ના અવતાર કરી કરીને તું મરી ગયો છે, દુઃખી થયો છે. ક્ષણમાં દેહ છૂટી જાય, ખબર પણ ન પડે એવાં અનંતવાર જન્મ-મરણ થઈ ચૂકયાં છે. ઘણી વખત તો કાંઈ સાધ્ય ન રહે એવી તારી અસાધ્ય દશા થઈ છે. એ અસાધ્ય તો બહારના (- શરીરના) રોગોની અપેક્ષાએ છે. પણ અંદર આત્મા રાગથી ભિન્ન છે એવું સ્વસ્વરૂપનું સાધ્યપણું પ્રગટયું નહિ તે મહા અસાધ્ય છે.
પ્રશ્નઃ– કાળલબ્ધિ પાકશે એટલે સાધ્યપણું પ્રગટી જશે.
ઉત્તરઃ– ભાઈ! તું શાસ્ત્રમાંથી ધારણામાં લઈને કાળલબ્ધિની કોરી વાતો કરે છે પણ એનો શું અર્થ છે? એથી કાંઈ સાધ્ય નથી. જ્યારે અંતર-એકાગ્ર થઈને સ્વભાવનું ભાન કરે ત્યારે કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. ૭૨ ની સાલમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો કે-કેવળીએ દીઠું હશે તે થશે. ત્યારે કહ્યું હતું કે જેની પર્યાયમાં દિવ્ય કેવળજ્ઞાન પ્રગટયું છે જેમાં આખો આ લોકાલોક તો શું એનાથી અનંતગુણો લોકાલોક હોય તોય જણાઈ જાય એવા કેવળીની સત્તાનો તને સ્વીકાર છે? એની સત્તાનો સ્વીકાર પર કેવળીની કે પર્યાયની સન્મુખ થઈને થઈ શકતો નથી. એની સત્તાનો સ્વીકાર તો નિજ ચૈતન્યસ્વભાવની-સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થવાથી જ થાય છે અને ત્યારે કાળલબ્ધિ પાકી જાય છે. અહાહા..! સર્વજ્ઞ-સ્વભાવની દ્રષ્ટિમાં સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે અને સર્વજ્ઞતાનો સ્વીકાર કરનારી દ્રષ્ટિ થતાં કાળલબ્ધિ પાકી જાય છે. શ્રીમદે કહ્યું છે ને કે-