૨૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે.’ જુઓ, જ્ઞાનીને મિથ્યાત્વ અને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ-એવા જે આસ્રવો તેનો નિરોધ હોય જ છે. ભાઈ! આ કાંઈ વાતે વડાં પાકે એવું નથી. વડાં આમ થાય ને તેમ થાય એમ માત્ર વાતોથી વડાં ન થઈ જાય. વડાં માટે લોટ જોઈએ, તેલ જોઈએ, એની આવડત જોઈએ, બધું જોઈએ ને? તેમ ભગવાન આત્માને પ્રગટ કરવા અંતરનો પુરુષાર્થ જોઈએ. એ વાત કહે છે કે-અંતરના જ્ઞાયકસ્વભાવના પ્રતિ વીર્યના વલણવાળા ધર્મમય ભાવથી અધર્મમય ભાવ ઉત્પન્ન થતા નથી તેથી જ્ઞાનીને અધર્મનો-આસ્રવનો નિરોધ જ છે.
અરે! એને પોતે ચૈતન્યમૂર્તિ ભગવાન છે એનું મહાત્મ્ય આવતું નથી! અનાદિથી એણે પરમાં અને એક સમયની પર્યાયમાં રમત માંડી છે ને? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ અને ઇન્દ્રિયોના ભોગ આદિમાં તથા પર્યાયમાં જ્ઞાનનો ક્ષયોપશમ ઉઘાડ હોય એમાં તે અનંતકાળથી રમી રહ્યો છે. પણ ભગવાન! તારા ત્રિકાળી ચૈતન્યતત્ત્વની આગળ એ ક્ષયોપશમની શું કિંમત છે? કાંઈ કિંમત નથી. માટે અંદર જા અને ધ્રુવ ચૈતન્યતત્ત્વને પકડ; તેથી તને મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ થશે, નિરાકુળ આનંદ થશે.
જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે. ‘માટે જ્ઞાની, આસ્રવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં કહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે.’
જુઓ, જ્ઞાનીને આસ્રવ નથી એટલે નવાં જ્ઞાનાવરણાદિ કર્મ બંધાતાં નથી. ખરેખર તો પરમાણુઓને તે કાળે બંધાવાનો યોગ જ હોતો નથી, પરંતુ સમજાવવું હોય ત્યારે બીજી શી રીતે કથન આવે? જ્ઞાની તો, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોનો જાણનાર-દેખનાર છે. દુનિયાની આંખ છે ને? આખી દુનિયા જેના જ્ઞાનમાં જણાય એવો ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાતાસ્વભાવના વલણમાં જ્ઞાની કેવળ જાણે જ છે, કર્મનો કર્તા નથી. સદાય અકર્તાપણું હોવાથી એટલે કે જ્ઞાનીને રાગનું કર્તાપણું નહિ હોવાથી કર્મને બાંધતો નથી, કેમકે કર્મબંધનું નિમિત્ત તો રાગના કર્તાપણાનો ભાવ છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
રાગના કર્તાપણે રોકાય તેને જ્ઞાતાપણું રહેતું નથી અને જે જ્ઞાતાપણામાં આવ્યો તેને રાગનું કર્તાપણું હોતું નથી. જ્ઞાનીને બંધનું કારણ જે આસ્રવ તે હોતો નથી તેથી તેને બંધ પણ થતો નથી. અહો! આવી સ્વભાવની વાત સહજ અને સરલ છે.