Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1700 of 4199

 

સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૩૯ પણ સ્વભાવનો પુરુષાર્થ કરે તો ને? ભાઈ! ખાલી વાતોથી કામ પાર પડે એમ નથી.

હવે કેટલાક લોકો કહે છે કે-સોનગઢનું નિયત મિથ્યાત્વ છે, કારણ કે સોનગઢ વાળા તો જે સમયે જે પર્યાય થાય એમાં નિમિત્તથી કાંઈ ન થાય એવું માનનારા છે.

તેને કહીએ છીએ-ભગવાન! નિયત જ છે. જે સમયમાં જે પર્યાયની નિજક્ષણ- જન્મક્ષણ વા ઉત્પત્તિનો કાળ હોય તે સમયે તે પર્યાય થાય છે, નિમિત્તથી થતી નથી. પરંતુ એનો (ક્રમબદ્ધનો) નિર્ણય કોને હોય? કે જે અંતઃસ્વભાવમાં સન્મુખ થયો હોય તેને એનો સમ્યક્ નિર્ણય હોય છે.

જ્ઞાનીને ભલે મતિ-શ્રુતજ્ઞાન હોય, પણ એક સમયમાં લોકાલોકને (પરોક્ષ) જાણવાની તાકાતવાળી પર્યાય તેને પ્રગટ થઈ છે. જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. તેને પોતાનું જાણવાપણું અને જે રાગ થાય તેનું જાણવાપણું પોતામાં છે. તેથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને જ્ઞાની કેવળ જાણે જ છે. જેમ કેવળી ભગવાનને ચાર ઘાતી કર્મો પડયા છે તેને એ કેવળ જાણે જ છે, મારાં કર્મ છે અને મારામાં છે એમ નહિ, પણ પોતાની સત્તાથી ભિન્ન સંયોગમાં સંયોગી ભિન્ન ચીજ છે એમ કેવળ જાણે જ છે તેમ જ્ઞાની પૂર્વબદ્ધ કર્મોને કેવળ જાણે જ છે.

જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું એનો સ્વભાવ નથી. જેમ કેવળી ભગવાન લોકાલોકને જાણે છે-એટલે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત હોવા છતાં લોકાલોકના કર્તા નથી, માત્ર જ્ઞાતા છે તેમ જ્ઞાની જ્ઞાનમાં રાગાદિને જાણવા છતાં તે રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. અહો! સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપાચરણ કોઈ અલૌકિક ચીજ છે! એનાથી ધર્મની શરૂઆત છે અને એના વિના ધર્મ શરૂ થતો નથી.

જ્ઞાનીને અસ્થિરતાનો કિંચિત્ રાગ-દ્વેષ છે. પરંતુ સ્વજ્ઞેયના જાણનારને રાગાદિ અને તે વડે થતો અલ્પ બંધ-તે જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જણાય છે. અહીં ગાથા ૧૧ માં જે કહી તે શૈલીથી વાત લીધી છે. ભૂતાર્થ-સત્યાર્થ ત્રિકાળી પરમાત્મસ્વરૂપ પોતે-તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. હવે તેને અશુદ્ધતા અને અપૂર્ણતા જે (પર્યાયમાં) રહી તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરેલાં નહિ. તે કાળે જ્ઞાતા-સ્વભાવ જ સ્વયં એવો છે કે તે સ્વને જાણે છે અને સાથે જે રાગ થાય છે તેને પણ સ્પર્શ્યા વિના કેવળ જાણે છે. આવું જ એનું સ્વરૂપ છે.

ઓહો! એક જ્ઞાનગુણમાં બીજો ગુણ નથી છતાં જ્ઞાનગુણમાં અનંતગુણોનું રૂપ છે. જેમ જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણ નથી છતાં જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણનું રૂપ છે. અર્થાત્ જ્ઞાન છે તે સ્વયં અસ્તિત્વપણે છે. અસ્તિપણું જ્ઞાનનું રૂપ છે. એવી રીતે જ્ઞાનમાં વસ્તુપણું, પ્રમેયપણું, કર્તાપણું, કર્મ-કરણપણું ઇત્યાદિ રૂપ છે. જ્ઞાન પોતે જ્ઞાનના કર્તાપણે છે; કર્તા ગુણથી નહિ, પોતાનું સ્વરૂપ જ કર્તાપણે છે, અહીં કહે છે-